મહારાષ્ટ્ર

અજિત પવારની અંતિમયાત્રામાં સમર્થકોની સોનાની ચેન-રોકડ ચોરાઈ: સાત પકડાયા…

પુણે: રાજ્યના દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની અંતિમયાત્રામાં જોડાયેલા સમર્થકોની ભીડનો લાભ ઉઠાવી ચોરોએ સોનાની ચેન અને રોકડ પર હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. અંતિમયાત્રાના માર્ગમાં અલગ અલગ ઠેકાણે ચેન-રોકડ ચોરનારા સાત આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

બારામતી તાલુકા પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં રાજકુમાર આઠવલે, મોહમ્મદ અનિસ યુનુસ, એઝાઝ મીરાવલે, મોહમ્મદ સાદિક ગફાર, બાળુ ઉર્ફે દત્તાત્રય ધોત્રે, તુષાર માસાળ, નીતિન ગાયકવાડનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ચોરેલી સોનાની વસ્તુઓ અને રોકડ હસ્તગત કરવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બારામતીમાં ચાર્ટર્ડ વિમાનના અકસ્માતમાં 28 જાન્યુઆરીએ અજિત પવારનું નિધન થયું હતું. આ સમાચાર ફેલાતાં જ સમર્થકો અને નેતાઓ મોટી સંખ્યામાં બારામતી પહોંચ્યા હતા. અજિત પવારના પાર્થિવ દેહની અંતિમયાત્રામાં પણ જાણે જનમેદની ઊમટી હતી. સમર્થકો શોક વ્યક્ત કરવા ભેગા થયા હતા તો આ ભીડનો લાભ ઉઠાવવા કેટલાક ચોર બારામતી પહોંચ્યા હતા.

અંતિમયાત્રા જે માર્ગે પસાર થઈ હતી તે દરમિયાન અલગ અલગ ઠેકાણે 15 જેટલા સમર્થકોની સોનાની ચેન અને રોકડ ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે રણજિત જાધવે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાધવ સહિત વિશ્ર્વજિત તુપે, અંકુશ દીઘે, પ્રશાંત સપકાળ સહિત અન્યો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગયા હતા. પચીસથી ત્રીસ લાખ રૂપિયાની મતા ચોરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પ્રકરણે પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ચોરોને ઓળખી કાઢ્યા હતા. પછી સર્ચ ઑપરેશન હાથ ધરી મળેલી માહિતીને આધારે સાત જણને તાબામાં લેવાયા હતા. અલગ અલગ સ્થળેથી આવેલા આ ચોરોની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button