પેસેન્જરને બચાવવા ટ્રેન રિવર્સ લઈ ગયા પણ…
મનમાડ (મહારાષ્ટ્ર): મધ્ય રેલવેમાં શનિવારે તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મનમાડ જંકશન નજીક પડી ગયેલા એક મુસાફરને બચાવવા માટે મુંબઈ – નાંદેડ તપોવન એક્સપ્રેસને આશરે 700 મીટર સુધી ઊંધી દિશામાં રિવર્સ લઈ જવાની નોબત આવી હતી.
પેસેન્જરની ઓળખ ઉત્તર પ્રદેશના 30 વર્ષના સરવર શેખ તરીકે થઈ હતી. પડી જવાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
ટ્રેનના લોકો પાયલટ એમ. એસ. આલમે ટ્રેનને રિવર્સ કરવા (ઊંધી દિશામાં ચલાવવા) અને ઇજાગ્રસ્ત મુસાફરને બહાર કાઢવા માટે મંજૂરી માંગી હતી. કોઈએ ઈમરજન્સી ચેન ખેંચતા સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના જાણવા મળી હતી, પરિણામે ટ્રેન રોકવાની ફરજ પડી હતી. દુર્ઘટના અંગે મુસાફરોએ ગાર્ડ એસ. એસ. કદમને વાકેફ કર્યા બાદ ગાર્ડે ટ્રેનને રિવર્સ કરવા માટે લોકો પાયલટ સાથે વાત કરી હતી.
આપણ વાંચો: Mahakumbh 2025: મધ્ય રેલવેએ પણ કુંભ સ્પેશિયલ ટ્રેનની કરી જાહેરાત
તપોવન એક્સપ્રેસ મનમાડ સ્ટેશન પર પહોંચ્યા બાદ સરવર શેખને એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તાત્કાલિક પ્રયાસો છતાં શેખને બચાવી નહોતો શકાયો. આવી જ એક ઘટના તાજેતરમાં મુંબઈમાં બની હતી.
ચેમ્બુરના રહેવાસી 24 વર્ષનો મોહન ગોલપએ વડાલા રેલવે સ્ટેશન નજીક લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો 1 જાન્યુઆરીએ રાત્રે 8:40 વાગ્યાની આસપાસ ટ્રેન વડાલા સ્ટેશનથી રવાના થઈ ત્યારે મોહન દરવાજા પાસે ઊભો હતો.
આપણ વાંચો: વીજપુરવઠાની સમસ્યા: મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો
વડાલા બ્રિજ ક્રોસ કરતી વખતે થાંભલા સાથે અથડાઈ ચાલતી ટ્રેનમાંથી પડી ગયો હતો. ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી ચેઇન ખેંચવામાં આવી હતી, પણ મોહન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
મનમાડ સ્ટેશને રેલવે સત્તાવાળાઓએ શેખને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. ત્વરિત પ્રયાસો છતાં, કમનસીબે સારવાર દરમિયાન શેખનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ ટ્રેન ફરી નાંદેડ જવા રવાના થઇ હતી.