પોલીસકર્મીઓ કોર્ટમાં મોડા પહોંચતા જજે ઘાસ કાપવાની સજા સંભળાવી
મુંબઈ: મહારાષ્ટ્રના બે પોલીસકર્મીઓને કોર્ટમાં 30 મિનિટ મોડા પહોંચતા ન્યાયાધીશે બંનેને અનોખી જ સજા સંભળાવી હતી. આ બે પોલીસકર્મીઓ બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા આવી રહ્યા હતા પરંતુ તેઓ મોડા પડ્યા હતા. રોષે ભરાયેલા જજે પોલીસકર્મીઓને જ સજા કરી હતી, જજે બંનેને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ બંને પોલીસકર્મીઓ આ સજાથી નારાજ છે અને આ બાબતની માહિતી હવે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે.
મામલો મહારાષ્ટ્રના પરભણી જિલ્લાનો છે. માનવત પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલે એક કેસના બે આરોપીઓને પકડી લીધા હતા. 22 ઓક્ટોબરની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બંને શંકાસ્પદ સંજોગોમાં ઝડપાયા હતા. બંને આરોપીઓને સવારે 11 વાગ્યે હોલિડે કોર્ટમાં રજૂ કરવાના હતા. બંને પોલીસકર્મીઓ સાડા અગિયાર વાગ્યે આરોપીને લઈને કોર્ટમાં પહોંચ્યા હતા. પોલીસકર્મીને મોડા આવતા જોઈને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુસ્સે થઈ ગયા હતા.
પરભણીના પોલીસ અધીઅકરીએ જણાવ્યું હતું કે આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા પછી, કોન્સ્ટેબલોના નિવેદનો સાથેનો વિગતવાર અહેવાલ યોગ્ય કાર્યવાહી માટે ન્યાયતંત્રને મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાના સાક્ષી બનેલા અન્ય ત્રણ કોન્સ્ટેબલના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.