ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા | મુંબઈ સમાચાર

ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા

યવતમાળ: પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ ઘાતકી પગલું ભર્યું હોવાની ઘટના યવતમાળ જિલ્લામાં બની હતી. લોખંડના સળિયાથી હુમલો કરી પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતારનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.

યવતમાળ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ગોવિંદ પવાર (31) તરીકે થઈ હતી. હત્યાકાંડ પછી પવારે ગામમાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે કલંબ તાલુકાના તિરઝાદા ગામમાં બની હતી. આરોપીના હુમલામાં મૃત્યુ પામેલાઓની ઓળખ રેખા (28), જ્ઞાનેશ્ર્વર ઘોસલે (33), સુનીલ ઘોસલે (24) અને પંડિત ઘોસલે (55) તરીકે થઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મંગળવારની રાતે પણ આ જ વાતને લઈ દંપતી વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સામાં આરોપીએ લોખંડના સળિયાથી પત્ની અને સાળા પર હુમલો કર્યો હતો.

બાદમાં આરોપી એ જ ગામમાં આવેલા સાસરે ગયો હતો, જ્યાં સસરા અને બીજા સાળાને લોખંડના સળિયાથી ફટકાર્યા હતા. આ ઘટનામાં ચારેયનાં મૃત્યુ થયાં હતાં. આરોપીએ સાસુ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી. પકડાયેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button