જૂની અદાવતમાં આરોપીએ વૃદ્ધ દંપતી સહિત ત્રણને વાહન નીચે કચડ્યાં
અમરાવતીમાં બનેલી ઘટનામાં ત્રણ ગંભીર જખમી: દારૂના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલો પકડાયો

અમરાવતી: જૂની અદાવતને પગલે આરોપીએ ઘરના આંગણામાં વાતચીત કરતા ઊભેલા કુટુંબને મિની વૅન નીચે કચડ્યું હોવાની ઘટના અમરાવતીના દર્યાપુર તાલુકામાં બની હતી. આ ઘટનામાં વૃદ્ધ દંપતી સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. આ પ્રકરણે પોલીસે દારૂના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા શખસને તાબામાં લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ખલ્લાર પોલીસની હદમાં નાચોના ગામમાં મંગળવારની રાતે આઠ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં અનસૂયા અંભોરે (67), શામરાવ અંભોરે (70) અને અનારકલી ગુજર (43)નાં મૃત્યુ થયાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ નાચોના ગામમાં દારૂનો ગેરકાયદે વ્યવસાય ચાલતો હતો. આ વ્યવસાય સાથે સંકળાયેલા આરોપીનો પડોશમાં રહેતા અંભોરે પરિવાર સાથે વિવાદ હતો. જૂની અદાવતને પગલે આરોપીએ આવું ભયંકર કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે.
કહેવાય છે કે અંભોરે કુટુંબ ઘરની બહાર આંગણામાં વાતચીત કરતું હતું. એ જ સમયે આરોપીએ પૂરપાટ વેગે મિની વૅન અંભોરે કુટુંબ તરફ ચલાવી હતી. આ ઘટનામાં ગંભીર જખમી શારદા અંભોરે (40), ઉમેશ અંભોરે (40) અને કિશોર અંભોરે (38)ને સારવાર માટે દર્યાપુર સ્થિત ઉપજિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી હોવાનું અધિકારીનું કહેવું છે.