શૅર્સમાં રોકાણને નામે સિનિયર સિટીઝન સાથે 82 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ…

થાણે: શૅરબજારમાં રોકાણ કરેલી રકમ પર ઊંચા વળતરની લાલચે થાણેના સિનિયર સિટીઝન સાથે 82 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. થાણેમાં રહેતા 62 વર્ષના ફરિયાદીએ 26 સપ્ટેમ્બર, 2025ના રોજ ફેસબુક પર એક જાહેરખબર જોઈ હતી, જેમાં શૅરબજારમાં રોકાણ કરેલી રકમ પર આકર્ષક વળતરની લાલચ અપાઈ હતી.
ફરિયાદીએ જાહેરખબર પર ક્લિક કરતાં તેમને એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપ અગ્રણી ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ કંપનીના નામે હતું.ફરિયાદીને તેમના મોબાઈલ ફોનમાં એક ટ્રેડિંગ ઍપ્લિકેશન ડાઉનલૉડ કરવાનું કહેવામાં આવ્યું હતું અને રોકાણ કરવા સંબંધી માહિતી આપવામાં આવી હતી. લાલચમાં આવી ફરિયાદીએ ઠગ ટોળકી દ્વારા આપવામાં આવેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં 82.13 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
આની સામે ફરિયાદીને નફા સાથે 1.51 કરોડ રૂપિયા જમા હોવાનું દર્શાવાયું હતું, એવું કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન ફરિયાદીએ બીજી ફેબ્રુઆરીએ નફાની રકમ કઢાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રૂપિયા કઢાવવામાં વારંવાર તેમને નિષ્ફળતા મળી હતી. નાણાં કઢાવવા માટે ઠગ ટોળકી દ્વારા વધુ 42.46 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું.
ફરિયાદીએ બાદમાં ફાઈનાન્સ કંપનીનો સંપર્ક સાધ્યો હતો. જોકે કંપની દ્વારા કોઈ વ્હૉટ્સઍપ ગ્રૂપ અથવા ટ્રેડિંગ ઍપ ચલાવવામાં ન આવતી હોવાની ખાતરી થઈ હતી. આખરે પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે રવિવારે બે અજાણ્યા શખસ, અમુક વેબસાઈટ્સ અને ઍપ્લિકેશન્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)



