સિનિયર સિટીઝન્સને છેતરી સોનાના દાગીના પડાવનારી ટોળકી પકડાઈ…

થાણે: સિનિયર સિટીઝન્સને વાતોમાં ભોળવીને વિશ્વાસ સંપાદન કર્યા પછી તેમના સોનાના દાગીના ચોરી ફરાર થઈ જનારી ટોળકીના ત્રણ સભ્ય સાથે મુંબઈના જ્વેલર્સની થાણે પોલીસે ધરપકડ કરી હતી.
થાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રાજુ ચવાણ, રમેશ જયસ્વાલ અને સંજય માંગડે તરીકે થઈ હતી. મળેલી માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી સિનિયર સિટીઝનને છેતરવાની તૈયારીમાં રહેલા આરોપીઓને તાબામાં લીધા હતા. તેમની પાસેથી અંદાજે 17 લાખ રૂપિયાના 130 ગ્રામ સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન આ ટોળકી સાથે મુંબઈના જ્વેલર્સ રામસિંહ ચૌહાણની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હોઈ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે, એવું ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર યોગેશ આવ્હાડે જણાવ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે આ ટોળકી સિનિયર સિટીઝન્સને જ ટાર્ગેટ કરતી હતી. ક્યારેક પોલીસના સ્વાંગમાં તો અમુક કેસમાં મદદને બહાને છેતરતી હતી. વાતોમાં ભોળવીને વૃદ્ધોનો વિશ્ર્વાસ કેળવતી હતી. પછી તેમણે પહેરેલા સોનાના દાગીના એક કાગળમાં મૂકવાની ફરજ પડાતી હતી. હાથચાલાકીથી દાગીના સેરવી લઈ કાગળમાં ઈમિટેશન જ્વેલરી અથવા પથ્થર ભરવામાં આવતા હતા. ટોળકીના સભ્યો પસાર થયા પછી છેતરાયેલા લોકોને આ ઠગાઈની જાણ થતી હતી.
તાજેતરના સમયગાળામાં આવા કેસો વધી જતાં ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તપાસમાં લાગી હતી. આ ટોળકીના પકડાવાથી બદલાપુર, ઉલ્હાસનગર, મુંબ્રા, કાપૂરબાવડી અને નૌપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 12 ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ આવા જ પ્રકારના ગુના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)



