પાલિકાની ચૂંટણી: થાણેમાં 2.75 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને દારૂ જપ્ત…

થાણે: થાણે જિલ્લામાં પાલિકાની ચૂંટણી માટે આચારસંહિતા અમલી થઇ ત્યારથી એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 2.75 કરોડ રૂપિયાથી વધુનો ગેરકાયદે દારૂ, નશીલો પદાર્થ, રોકડ તેમ જ શસ્ત્રો જપ્ત કર્યાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ, સ્ટેટ એક્સાઇઝ વિભાગ અને પાલિકાના કર્મચારીઓની બનેલી ટીમોએ 15 ડિસેમ્બર, 2025થી 1 જાન્યુઆરી, 2026 દરમિયાન આ કાર્યવાહી કરી હતી.
ચૂંટણીની પ્રક્રિયા ન્યાયી, નિર્ભય અને પારદર્શક રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે આચારસંહિતાના કોઇ પણ ઉલ્લંઘન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબ્રા, શિળ રોડ અને મોડેલા ચેકનાકા સહિત મુખ્ય ચેકપોઇન્ટ પર દરરોજ વ્યાપક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, એમ આચારસંહિતા અમલીકરણ સેલના નોડલ ઓફિસર ભાલચંદ્ર બેહેરેએ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9.54 કરોડની બેહિસાબી રોકડ સહિત 2.75 કરોડ રૂપિયાથી વધુની મતા જપ્ત કરવામાં આવી છે.નાર્કોટિક્સ વિંગે 2.28 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે, જ્યારે સુરક્ષા દળોએ 59 ગેરકાયદે શસ્ત્રો જપ્ત કર્યાં છે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે એ માટે 619 પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે, એમ યાદીમાં જણાવાયું હતું.
સ્ટેટ એક્સાઇઝ વિભાગે 17 દિવસ દરમિયાન 26.8 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે અને સંબંધિત કેસમાં 53 લોકોની ધરપકડ કરી છે. (પીટીઆઇ)



