પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો સામે આકરાં પગલાં લેવાની ચેતવણી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં અનેક રહેવાસીઓને કમર્શિયલ પ્રોપર્ટી ધારકોએ અનેક વખત નોટિસ મળ્યા બાદ પણ હજી સુધી તેમનો પ્રોપર્ટી ટેક્સ પાલિકાને ચૂકવ્યો નથી. તેથી પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોને જો તરત તેમનો ટેક્સ ચૂકવ્યો નહીં તો તેમની સામે આકરાં પગલાં લેવામાં આવશે એવી ચેતવણી થાણે પાલિકા પ્રશાસને આપી છે.
થાણે પાલિકામાં છેલ્લા એક-બે મહિનાથી પ્રોપર્ટી ટેક્સની વસૂલી અપેક્ષા કરતાં ઓછી થઈ રહી હોવાથી નારાજ થયેલા થાણે પાલિકાના કમિશનર સૌરભ રાવે જે લોકો ટેક્સ ચૂકવતા નથી તેવા રેસિડેન્શિયલ પ્રોપર્ટી ટેક્સ ધારકોના નળના જોડાણ કાપી નાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કમર્શિયલ ડિફોલ્ટરોની પ્રોપર્ટીની જપ્તિ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
વર્ષ ૨૦૨૫-૨૬ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે કમિશનરે મંગળવારે બેઠક કરી હતી, જેમાં છેલ્લા એક-બે મહિનાથી પ્રોપર્ટી ટેક્સની વસૂલી ઓછી થઈ રહી હોવા બદ્લ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. ડિફોલ્ટરો સામે તાત્કાલિક જપ્તિ, વોરન્ટ બજાવવા, નળના જોડાણ કાપી નાખવા, પાણી પુરવઠો ખંડિત કરવા જેવાં આકરાં પગલાં લેવાનો તેમણે નિર્દેશ આપ્યો હતો.
કમર્શિયલ(નોન-રેસિડેન્શિયલ) પ્રોપર્ટી બાબતે થાણે પાલિકાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે,જે ૧૦ ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. આ ઝુંબેશ હેઠળ ડિફોલ્ટરોની પ્રોપર્ટી જપ્તિથી લઈને અન્ય આકરાં પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.



