બોલો! થાણે મહાનગરપાલિકામાંથી ગેરકાયદે બાંધકામની યાદી ધરાવતી ફાઇલ્સ ખોવાઇ ગઇ
થાણે: થાણેના ગેરકાયદે બાંધકામ બાબતે પાલિકાના તત્કાલીન કમીશનર ડો. વિપીન શર્માના કાર્યકાળમાં તૈયાર કરવામાં આવેલ તપાસ અહેવાલની જાણકારી અને કાર્યવાહી બાબતના નિર્ણયો અંગેની ફાઇલ્સ પાલિકાની હેડ ઓફિસમાંથી ખોવાઇ ગઇ હોવાની જાણકારી મળી છે. સાથે સાથે ફરિયાદીએ આપેલ ગેરકાયદે બાંધકામની યાદી અને તેના ફોટો પણ ગાયબ થયા હોવાની વિગતો જાણવા મળી છે. ત્યારે આ અંગે ફરિયાદીએ દોષીઓ પર ગુનો દાખલ કરી તાપસ કરવાની માંગણી કરી છે.
પૂર્વ નગર સેવક સંજય ઘાડીગાંવકરે 2019થી 2021ના સમયગાળા દરમીયાન મહાપાલિકાના ક્ષેત્રમાં દિવા, મુંબ્રા, કલવા, માજિવાડા-માનપાડા, વર્તકનગર, નૌપાડા, કોપોરી અને ઉથળસર પ્રભાગ સમિતીના ક્ષેત્રમાં થયેલ ગેરકાયદે બાંધકામ બાબતે પાલિકામાં ફરિયાદ કરી હતી. ઘાડીગાંવકરે આ બાબતે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતાં. આ ફરિયાદની દખલ લઇને તત્કાલીન કમીશનર ડો. વિપીન શર્માએ 2021માં ચપાસ સમિતીની રચના કરી હતી.
આ તપાસના સંદર્ભે કેટલાંક મહત્વના પુરાવા આધારિત દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહીના આદેશ સાથે ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગેરકાયદે બાંધકામની યાદી અને તેના ફોટો જેવા મહત્વના પુરાવા ઘાડીગાંવકરે પ્રશાસનને આપ્યા હતાં. ત્યારે હવે આ ફાઇલ્સ ગાયબ થવા પર આ જાણીજોઇને કરવામાં આવ્યું છે. દોશી અધિકારીઓને બચાવી લેવા માટેનો આ પ્રયાસ હોવાનો આક્ષેપ ફરિયાદી ઘાડીગાંવકરે કર્યો હતો.
2019 થી 2021 ના સમયગાળા દરમીયાન ખાસ કરીને કોરોનાના સમયે ગેરકાયદે બાંધકામનો કારસો રચવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં પ્રભાગ મુજબ કેટલાં ગેરકાયદે બાંધકામ થયા, સંબંધિત અધિકારીઓના નામ જેવી માહિતી હતી. ઉપરાંત આ બાબતે તપાસ કરી રહેલ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ સરકારને મોકલવામાં આવ્યો છે. ખાલી થાણે પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસનો અહેવાલ પાલિકામાં આપવામાં આવ્યો હતો. આ જ ફાઇલ્સ ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યું છે. એમ ઘાડીગાંવકરે જણાવ્યું હતું.