મહારાષ્ટ્ર

ટ્રેનમાં હકડેઠઠ ભીડને કારણે 12માના વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો…

ડોમ્બિવલીનો વિદ્યાર્થી ટ્રેનના ફૂટબોર્ડ પર લટકીને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે હાથ છટકી જતાં ચાલતી ટ્રેને પડ્યો

થાણે: સવારના સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની હકડેઠઠ ભીડને કારણે 12માના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના થાણે જિલ્લામાં બની હતી. પરીક્ષા સેન્ટરે પહોંચવાની ઉતાવળમાં ડોમ્બિવલીનો વિદ્યાર્થી ટ્રેનમાં ફૂટબોર્ડ પર લટકીને પ્રવાસ કરી રહ્યો ત્યારે એકાએક હાથ છટકી જતાં તે પાટા પર પટકાયો હતો.

થાણે જીઆરપીનાં સિનિયર ઈન્સ્પેક્ટર અર્ચના દસાનેએ જણાવ્યું હતું કે જીવ ગુમાવનારા વિદ્યાર્થીની ઓળખ સોહમ કથરે (18) તરીકે થઈ હતી. 12 ધોરણનો વિદ્યાર્થી સોહમ ડોમ્બિવલી પૂર્વમાં રહેતો હતો.સોહમનું પરીક્ષાનું સેન્ટર કલવાની મનીષા સ્કૂલમાં હતું અને મંગળવારે તેનું પહેલું જ પેપર હોવાથી તે ઘરેથી વહેલો નીકળ્યો હતો. સવારના સમયે લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવાથી સોહમ ઉતાવળે પરીક્ષા સેન્ટર પર પહોંચવા માગતો હતો.

કહેવાય છે કે ડોમ્બિવલીથી ટ્રેનમાં ચઢ્યા પછી સોહમ ડબ્બામાં ઘૂસી શક્યો નહોતો. પરિણામે ફૂટબોર્ડ પર લટકીને તે પ્રવાસ કરી રહ્યો હતો. ટ્રેન સવારે 10 વાગ્યાની આસપાસ મુંબ્રા અને કલવા વચ્ચે પહોંચી ત્યારે અચાનક તેનો હાથ છટકી ગયો હતો, જેને કારણે તે પાટા પર પડ્યો હતો.

બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ અને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેભાન અવસ્થામાં સોહમને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને દાખલ કરતાં પૂર્વે જ મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા મંગળવારથી શરૂ થઈ હતી. સોહમ ભણવામાં હોશિયાર હતો અને શાંત સ્વભાવનો હતો, એવું જાણવા મળ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button