10 વર્ષના પુત્ર પર જાતીય હુમલાના કેસમાં માતા-મામાના જામીન મંજૂર…

થાણે: થાણેમાં 10 વર્ષના પુત્ર પર જાતીય હુમલાના આરોપસર ધરપકડ કરાયેલી માતા અને તેના ભાઈના થાણે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.બાળકના પિતાની ફરિયાદને આધારે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. માતા-પિતા અલગ થયાં પછી બાળક માતા સાથે થાણેના લોકમાન્ય નગરમાં રહેતો હતો.
ફરિયાદ અનુસાર 2021થી માતા અને મામા બાળકનું જાતીય શોષણ કરતાં હતાં. બાળકે ચાલુ વર્ષની 30 જુલાઈએ ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યા પછી મામલો સામે આવ્યો હતો. પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ, ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ બાળકની માતા અને મામાની ધરપકડ કરી હતી.
આરોપી દ્વારા બાદમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે દાવો કર્યો હતો કે પોક્સો ઍક્ટનો દુરુપયોગ કરાયો છે. તપાસ પૂરી થઈ ગઈ છે અને આરોપનામું પણ દાખલ કરાયું છે. આરોપીનો કોઈ ગુનાહિત રેકોર્ડ પણ નથી.
સ્પેશિયલ જજ આર. યુ. માલવણકરે 10 ડિસેમ્બરે આપેલા આદેશમાં અવલોકન કર્યું હતું કે ગુનો મૃત્યુદંડ અથવા આજીવન કારાવાસને સજાપાત્ર નથી. આરોપી રીઢા ગુનેગાર નથી. તેમની વિરુદ્ધ અગાઉ કોઈ ગુના દાખલ નથી. એ સિવાય બાળક હમણાં જેની સાથે રહે છે તે પિતા અને આરોપી માતા વચ્ચે વૈવાહિક વિખવાદ છે. આ બાબતને ધ્યાનમાં લેતાં પુરાવા સાથે ચેડાં કરવામાં આવે એવી શક્યતા નકારી શકાય નહીં, એવું કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે બન્ને આરોપીને પ્રત્યેકી 30 હજાર રૂપિયાના બૉન્ડ અને સમાન રકમની શ્યૉરિટી આપીને જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)



