મહારાષ્ટ્ર

‘જાતીય ઇરાદો’ છતો ન થતો હોવાનું નોંધી કોર્ટે સગીરાની સતામણીના કેસમાં યુવકને નિર્દોષ છોડ્યો

થાણે: પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ મહત્ત્વનું તત્ત્વ છે ‘જાતીય ઇરાદો’, જે આ કેસમાં છતો થતો નથી, એવી નોંધ કરી થાણે કોર્ટે સગીરાનો પીછો કરી તેની જાતીય સતામણી કરવાના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો.

મજૂરી કરતો આરોપી મયૂરેશ કૈલાસ શેળકે (25) 2019માં થાણેમાં રહેતી 15 વર્ષની સગીરાના ઘરમાં કથિત રીતે ઘૂસ્યો હતો અને પ્રેમ કરતો હોવાનો દાવો કર્યો હતો.

જજ રુબી યુ માલવણકરે અવલોકન કર્યું હતું કે પીડિતા સાથે કોઈ શારીરિક સંપર્ક થયો નહોતો અને આરોપી દ્વારા બોલાયેલા શબ્દોમાં તેનો કોઈ રીતે જાતીય ઇરાદો હોવાનું જણાતું નથી.

આવી જાતીયતા અથવા જાતીય ઇરદોમાં શું સમાવિષ્ટ છે અને શું નથી તે વાસ્તવિકાતનો પ્રશ્ર્ન છે અને આ કેસમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો પરથી આવો કોઈ જાતીય ઇરાદો દેખાતો નથી, એવું કોર્ટે નોંધ્યું હતું.

આ મામલે પીડિતા દ્વારા 2019માં ગુનો નોંધાવાયો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પહેલી નવેમ્બર, 2019ના રોજ ડોમ્બિવલીના મ્હાત્રે નગરની ચાલમાં રહેતી સગીરા અભ્યાસ કરતી હતી ત્યારે પડોશમાં રહેતો શેળકે તેના ઘરમાં ઘૂસ્યો હતો.
ફરિયાદ પક્ષ અનુસાર આરોપીએ સગીરાને કહ્યું હતું કે ‘મને દાદા (મોટા ભાઈ) તરીકે ન બોલાવ, હું તને પ્રેમ કરું છું.’ એ સિવાય આરોપી સગીરાનો પીછો કરતો હતો અને વારંવાર ફોન કરતો હતો. બચાવ પક્ષના વકીલ અમરેશ એસ. જાધવે ફરિયાદી પક્ષના કેસને પડકાર્યો હતો.

કોર્ટે એ વાત પર ધ્યાન દોર્યું હતું કે ઘટના લોકોની ગીચ વસતિ ધરાવતી ચાલમાં બની હતી. છતાં આવું કૃત્ય જોયું હોય તેવો કોઈ સ્વતંત્ર સાક્ષીદારનો પુરાવો નથી. તપાસકર્તા પક્ષ આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button