શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે વેપારી પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા

થાણે: શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની છેતરામણી સ્કીમ રજૂ કરી થાણેના વેપારી પાસેથી એક કરોડ રૂપિયા પડાવવા બદલ પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ગયા વર્ષના જૂનમાં થાણેના વાગળે એસ્ટેટ પરિસરમાં રહેતા 43 વર્ષના વેપારીની નજર સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ પરની એક જાહેરખબર પર પડી હતી. આઈપીઓ અને શૅર્સમાં રોકાણ કરતાં ઊંચા વળતરની ખાતરી જાહેરખબરમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પરની રીલ જોઈને વેપારીએ ગુમાવ્યા ₹1.01 કરોડ! શેરબજારમાં રોકાણના નામે સાયબર ફ્રોડનો શિકાર
આ પ્રકરણે વેપારી બાદમાં ત્રણ જણના સંપર્કમાં આવ્યો હતો. વેપારીનો વિશ્ર્વાસ સંપાદન કર્યા પછી ત્રણેય આરોપીઓએ થાણેની એક હોટેલમાં વેપારી સાથે મીટિંગ કરી હતી અને તેને બોગસ ડિજિટલ ડિમેટ લિંક આપી હતી.
આ પ્લૅટફોર્મ સત્તાવાર હોવાનું માનીને વેપારીએ જૂન અને જુલાઈ, 2025 દરમિયાન વિવિધ બૅન્ક ખાતાંમાં 29 ટ્રાન્ઝેક્શન દ્વારા એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી ડિમેટ લિંક ડેશબોર્ડ પર વેપારીને 19 કરોડ રૂપિયાનો નફો દર્શાવાયો હતો.
આ પણ વાંચો : શેરબજારમાં સાત લાખ કરોડ સ્વાહા! ટ્રમ્પ હવે શું કર્યું?
જોકે વેપારીએ પ્રયત્ન કર્યા છતાં રૂપિયા કઢાવી શક્યો નહોતો. રકમ છૂટી કરવા માટે આરોપીઓએ 20 ટકા કમિશનની માગણી કરી હતી. પરિણામે વેપારીને પોતે છેતરાયો હોવાની જાણ થઈ હતી.
આ પ્રકરણે વેપારીની ફરિયાદને આધારે પોલીસે રવિવારે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી અને ઠગાઈની કલમો તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)



