મહારાષ્ટ્ર

પાણી ભરીને લાવી ન શકવાને કારણે શિક્ષકોએ મારપીટ કરતાં વિદ્યાર્થીઓ જંગલમાં ભાગી ગયા

પાલઘર: પાલઘર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પાણી ભરીને સમયસર લાવી ન શકવાને કારણે શિક્ષિકોએ મારપીટ કર્યા બાદ વિદ્યાર્થીઓનું જૂથ જંગલમાં ભાગી ગયું હતું.

શિક્ષણ વિભાગે આ સપ્તાહની શરૂઆતમાં જવ્હાર તાલુકાના જાંબુલમાથા વિસ્તારમાંની જિલ્લા પરિષદની શાળામાં બનેલી ઘટનાની તપાસ શરૂ કરી છેે.

નોંધનીય છે કે વસઇના સાતીવલીમાં શાળામાં મોડી આવવાને કારણે છઠ્ઠા ધોરણની 13 વર્ષની વિદ્યાર્થિનીને 100 ઊઠ-બેસની શિક્ષા કરવામાં આવ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું.

આપણ વાચો: કોરોના મહામારી વખતે મહિલા ડૉક્ટર સાથે મારપીટ કરનારાને સાત વર્ષની કેદ…

જવ્હાર તાલુકાની પ્રાથમિક શાળામાં બનેલી ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓએ બુધવારે જિલ્લા પરિષદને આવેદનપત્ર સુપરત કરીને આરોપ કર્યો હતો કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લગભગ એક કિલોમીટર દૂર પાણી લાવવા માટે મોકલ્યા હતા અને તેઓ મોડા પાછા ફર્યા ત્યારે તેમની મારપીટ કરવામાં આવી હતી.

શિક્ષકો દ્વારા કરાયેલી મારપીટને કારણે વિદ્યાર્થીઓનું જૂથ શાળા પરિસરમાંથી ભાગી ગયું હતું અને તેમણે નજીકના જંગલમાં આશરો લીધો હતો, એવો દાવો વાલીઓએ કર્યો હતો અને આ ઘટનામાં સામેલ શિક્ષકો સામે કડક કાર્યવાહીની તેમણે માગણી કરી હતી.

આ આક્ષેપો બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને પગલે જિલ્લા પરિષદે તપાસ શરૂ કરી છે અને રિપોર્ટને આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ટીમ પહેલેથી જ શાળામાં ગઇ છે, એમ જિલ્લા પરિષદનાં શિક્ષણ અધિકારી (પ્રાથમિક) સોનાલી મટેકરે કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button