મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાનું છે અમારો લક્ષ્યાંકઃ એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં પોતાના અને સાથી પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે શરૂઆત થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન શિંદે પણ ઠેર ઠેર પ્રચાર સભાઓ ગજાવી રહ્યા છે. ગુરુવારે પુણે બેઠકના પોતાના ઉમેદવારના પ્રચાર માટે એકનાથ શિંદે પુણે પહોંચ્યા હતા અને મહાયુતિના ઉમેદવાર મુરલીધર મોહોળ માટે સભા સંબોધી હતી.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાયુતિનું ‘મિશન 45’ એટલે કે 45 બેઠકો જીતવાનું લક્ષ્ય જરૂર હાંસલ કરાશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે હવે મનસે(રાજ ઠાકરે)એ પણ આપણને સમર્થન જાહેર કર્યું છે એટલે આપણી તાકાત અનેકગણી વધી છે. આખા રાજ્યમાં મહાયુતિનું જ વાતાવરણ છે. પુણે લોકસભાના ઉમેદવાર મુરલીધર મોહોળ અને અન્ય બધા જ ઉમેદવારો આ વખતે રેકોર્ડ બ્રેક મતોથી વિજયી થશે.
આ સભામાં મુખ્ય પ્રધાન વિરોધી ઉમેદવારો પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા. એકનાથ શિંદેએ મહાયુતિની વધેલી તાકાત વિશે વાત કરતા કહ્યું હતું કે 30 વર્ષથી ભાજપ સાથે અમારી નૈસર્ગિક યુતિ હતી. તેમાં અમુક વિઘ્નો આવ્યા પણ પછી અમે પાછા એક સાથે આવ્યા.
હવે અજિત પવાર પણ આપણી સાથે છે. આપણને રાજ ઠાકરેનો પણ ટેકો મળ્યો છે એટલે આપણી તાકાત વધી છે. સરકાર નહીં ટકે એવું બોલનારા હવે બંધ થઇ ગયા છે.
શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે બોલતા કહ્યું હતું કે જે કામો વડા પ્રધાન મોદીએ દસ વર્ષમાં કર્યા છે તે કૉંગ્રેસ 50 વર્ષમાં પણ ન કરી શકી. આખા વિશ્વમાં દેશની છબિ ઉપર આવી છે અને આજે જે દેશ બોલે છે તે વિશ્વ સાંભળે છે. કોરોનાકાળ દરમિયાન ઘરમાં બેસી ફેસબુક લાઇવ કરનારા મોદીની ટીકા કરે છે. જોકે તેમની વક્રદૃષ્ટિ તમારા પર પડી તો મોઢામાં ફીણ વળી જશે, એટલે જરા સંભાળીને બોલવું.