પૂરપાટ દોડતી એસયુવી પરથી ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યો: ડિવાઈડર અને પુલના કઠેડાથી અથડાઈ કાર ઊંધી વળતાં ચાર જખમી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પૂરપાટ દોડતી એસયુવી પરથી ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યો: ડિવાઈડર અને પુલના કઠેડાથી અથડાઈ કાર ઊંધી વળતાં ચાર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શિર્ડી જઈ રહેલા સુરતના સાત રહેવાસીની એસયુવીને નાશિક નજીક નડેલા અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર ગંભીર રીતે ઘવાયા હતા. પૂરપાટ દોડતી એસયુવી પરનો ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં ડિવાઈડર અને પછી પુલના કઠેડાથી અથડાઈને એસયુવી ઊંધી વળી હતી.

યેવલા તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંદીપ મંડલિકે જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના મંગળવારની મધરાતે 12 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઓળખ પલક અજયભાઈ કાપડિયા, પ્રણવ દેસાઈ અને સુરેશચંદ્ર કબીરાજ શાહુ તરીકે થઈ હતી.

આપણ વાચો: AMCની ગાર્બેજ કલેક્શન વાને સર્જ્યો અકસ્માત! 7થી 8 રિક્ષાઓને લીધી અડફેટે, એકનું મોત

ગુજરાતના સુરત શહેરમાં જદાખાડી મૈધરપુરા પરિસરમાં રહેતા એકાઉન્ટન્ટ નીરજ કાપડિયા (44)ની ફરિયાદને આધારે પોલીસે સાગર શાહ (30) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર સાગર, પલક, સુરેશચંદ્ર, પ્રણવ, વિષ્ણુ મનોજકુમાર છકવાલા, વિક્રમ મહેન્દ્રભાઈ ઓસવાલ, બિપિન નવીનચંદ્ર રાણા ફોર્ચ્યુનર નંબર જીજે-05 આરજે 8909માં શિર્ડી જઈ રહ્યા હતા. એસયુવી સાગર ચલાવી રહ્યો હતો. યેવલા તાલુકાના નાશિક-છત્રપતિ સંભાજી નગર હાઈવે પર એરંડગાંવથી રાયતે ગામ દરમિયાન એસયુવીને અકસ્માત નડ્યો હતો.

આપણ વાચો: Gujarat Accidents: રાજ્યમાં અકસ્માતની 3 ઘટનામાં 6 લોકોનાં મોત, 10થી વધુ ઘાયલ

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હતું અને મધરાતે ડ્રાઈવરને અંદાજો ન આવતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એસયુવી એટલી વેગમાં હતી કે ડિવાઈડર સાથે ટકરાયા પછી પુલના કઠેડા સાથે ઠોકાઈ હતી. પછી એસયુવી ઊંધી વળી ગઈ હતી.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં બે જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતાં, જ્યારે એકે સારવાર દરમિયાન છેલ્લા શ્ર્વાસ લીધા હતા. જખમી ચારમાંથી એકને નજીવી ઇજા થઈ હતી. ચારેયને સારવાર માટે નાશિકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button