મહારાષ્ટ્ર

પહલગામમાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના છ રહેવાસીઓના પરિવારને ‘નાગરી શૌર્ય’ પુરસ્કાર આપો: સુળે

પુણે: એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ રવિવારે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી કે બાવીસમી એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના છ વ્યક્તિઓના પરિવારને સન્માનિત કરવામાં આવે.
1960માં રાજ્યના સ્થાપના દિવસ તરીકે પહેલી મેના રોજ ઉજવવામાં આવતા મહારાષ્ટ્ર દિને તેમને ‘નાગરી શૌર્ય’ પુરસ્કાર આપવામાં આવે એવી માગણી તેમણે કરી છે.

ડોમ્બિવલીના અતુલ શ્રીકાંત મોને, હેમંત સુહાસ જોશી અને સંજય લક્ષ્મણ લેલે, પુણેના કૌસ્તુભ ગણબોટે અને સંતોષ જગદાળે અને નવી મુંબઈના પનવેલના દિલીપ દેસલે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા 26 લોકોમાં હતા.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં, બારામતીના લોકસભા સાંસદે જણાવ્યું હતું કે, ‘આ કાયર હુમલાની નિંદા કરવા માટે રાષ્ટ્ર એક થઈને ઉભું છે. આ ભયાનક અગ્નિપરીક્ષા દરમિયાન પરિવારોએ બતાવેલી બહાદુરી ખરેખર પ્રશંસનીય છે. પોતાના પ્રિયજનોને નિર્દયતાથી માર્યા જતા જોયા હોવા છતાં તેઓએ અસાધારણ હિંમત દર્શાવી હતી.’

‘આ પરિવારોને તેમની પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને ભાવનાના સન્માન તરીકે નાગરી શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ. દરેક શોકગ્રસ્ત પરિવારના એક સભ્યને તેમની શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી નોકરી આપવી જોઈએ,’ એમ તેમણે જણાવ્યું હતું.

આપણ વાંચો: મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ

સુળેએ જગદાળેની પુત્રી આશાવરીનો ચોક્કસ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે ઉચ્ચ શિક્ષિત છે અને તેને બાદમાં સરકારી સેવામાં યોગ્ય રીતે સમાવી શકાય છે.

‘આવું પગલું મહારાષ્ટ્ર સરકારની દુ:ખના સમયે નાગરિકોની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરશે અને ખાતરી કરશે કે આ બહાદુર પરિવારો એકલા નહીં રહે,’ એમ તેમણે જણાવ્યું હતું.

એનસીપી(એસપી)ના નેતાએ આશા વ્યક્ત કરી કે દેવેન્દ્ર ફડણવીસ સરકાર તેમની વિનંતી પર સકારાત્મક રીતે કાર્ય કરશે અને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button