મહારાષ્ટ્ર સરકારે બીડમાં કાર્યરત માફિયાઓનો અંત લાવવો જોઈએ: સુપ્રિયા સુળે
પુણે: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ મંગળવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં ગયા મહિને સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે જિલ્લામાં માફિયાઓનો અંત લાવવો જોઈએ.
અહીં પત્રકારો સાથે વાત કરતાં બારામતીના સાંસદે કહ્યું કે દેશ અને રાજ્ય વધતી જતી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કૉન્ટ્રેક્ટ રદ કરવા, ખેડૂતો પ્રત્યે અન્યાય અને હિંસા જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે.
શું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની બીડના પાલક પ્રધાન તરીકે નિયુક્તિથી જિલ્લાની પરિસ્થિતિ બદલાશે એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, તેઓ કોઈ એક વ્યક્તિ પાસેથી પરિવર્તનની અપેક્ષા રાખતા નથી, પરંતુ સમગ્ર રાજ્ય સરકારે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે કામ કરવું જોઈએ.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ મિશન મોડમાં કામ કરી રહ્યા છે, પરંતુ બાકીના… સુપ્રિયા સુળેનું નિશાન કોના પર?
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું 9 ડિસેમ્બરના રોજ અપહરણ અને હત્યા કરવામાં આવી હતી, કથિત રીતે પવનચક્કી પ્રોજેક્ટ સાથે જોડાયેલી ઊર્જા કંપની પાસેથી ખંડણી લેવાના પ્રયાસોને રોકવાના પ્રયાસો બદલ તેમની હત્યા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
‘હું સરકાર પાસેથી આવા પ્રકારના ગુનાઓ બંધ કરાવવાની અપેક્ષા રાખું છું. સરકારે (બીડ) ત્યાં કોઈપણ પ્રકારની માફિયા પ્રવૃત્તિઓનો અંત લાવવો જોઈએ,’ એમ સુળેએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો રાજ્ય કોઈ રોકાણ આકર્ષિત કરશે નહીં.
આપણ વાંચો: ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ
‘જો આવું વાતાવરણ ચાલુ રહેશે, તો રાજ્યમાં રોકાણ કરવા માટે કોણ આવશે, તેથી આ મુદ્દાઓને ગંભીરતાથી લેવાની જરૂર છે. હું બીડ મુદ્દા પર સર્વપક્ષી બેઠક બોલાવવાની માગણી કરી રહી છું, જેથી આપણા રાજ્યને દેશમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બનાવવા માટે પ્રયાસ કરી શકીએ,’ એમ તેમણે કહ્યું હતું.