નાગપુરના ફુટાલા તળાવમાં બાંધકામ પર સુપ્રિમ કોર્ટનો ૨૧મી માર્ચ સુધી સ્ટે

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને તેના મેટ્રો રેલ કોર્પોરેશનને નાગપુરના પ્રખ્યાત ફુટલા તળાવમાં કોઈપણ બાંધકામ પ્રવૃત્તિ ન કરવા માટે આદેશ આપતા પોતાનાં આદેશને ૨૧ માર્ચ સુધી લંબાવ્યો છે.
શરૂઆતમાં ૨૫ જાન્યુઆરીના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભોસલે પરિવાર દ્વારા બાંધવામાં આવેલા તળાવ પર ચાલી રહેલા બાંધકામ પર રોક લગાવી દીધી હતી. બાંધકામ પરનો સ્ટે સમયાંતરે લંબાવ્યો હતો. નાગપુરનાં ‘સ્વચ્છ એસોસિએશન’ એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બેન્ચ સુનાવણી કરી રહી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફુટાલા તળાવ એક વેટલેન્ડ છે અને ત્યાં મોટા પાયે બાંધકામ ત્યાંની ઇકોસિસ્ટમ અને જળચર જીવનને નષ્ટ કરી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ શેખર નાફડેની વિનંતી પર બેન્ચે ગુરુવારે ૨૧ માર્ચ, ૨૦૨૪ની આગામી તારીખ સુધી સ્ટે લંબાવવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ ખંડપીઠે એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણની રજૂઆતની નોંધ લીધી હતી કે જળસંગ્રહને બચાવવા માટે ચાલુ બાંધકામ પર યથાસ્થિતિનો આદેશ જરૂરી છે. તળાવ પર કોંક્રીટ સ્ટ્રક્ચર્સ આવ્યા છે.