માથેરાનમાં ઇ-રિક્ષાના લાઇસન્સની ફાળવણી મુદ્દે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કાઢી ઝાટકણી
તમારા અધિકારીઓ દબાણ હેઠળ હોઈ શકે પણ ન્યાયતંત્રના નહીં…

નવી દિલ્હીઃ મુંબઈ નજીક આવેલા હિલ સ્ટેશન માથેરાનમાં ઇ-રિક્ષાના લાઇસન્સની ફાળવણી પરના કાયદા અધિકારના અહેવાલની સત્યતા પર મહારાષ્ટ્ર સરકારે સવાલ ઉઠાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમારા અધિકારીઓ દબાણ હેઠળ હોઇ શકે છે, પરંતુ ન્યાયતંત્રના નહીં.
મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું હતું કે કાયદા અધિકારીવનો રિપોર્ટ કદાચ સંપૂર્ણ રીતે સાચો ન પણ હોઇ શકે ત્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચના જસ્ટિસ બી. આર. ગવઇએ કહ્યું હતું કે તમારા અધિકારીઓ દબાણ હેઠળ આવી શકે છે, પરંતુ ન્યાયતંત્રના નહીં.
માથેરાનમાં ઓટોમોબાઇલ્સને પરવાનગી નથી. રાજ્ય સરકારના વકીલે કહ્યું હતું કે નવેસરથી લાઇસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો યોગ્ય રહેશે. અમે આ સંપૂર્ણ પ્રક્રિયા ફરીથી કરીશું.
આપણ વાંચો: આનંદો! આવતીકાલથી નેરલ-માથેરાન ટોય ટ્રેન સેવા ફરી શરુ થશે…
સરકારી વકીલની દલીલ બાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ઇ-રિક્ષાની ફાળવણી માટેની પ્રક્રિયા ફરી કરવાના પ્રસ્તાવ માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હતો. 13મી ઓગસ્ટ 2024નો અહેવાલ રેકોર્ડ પરની સામગ્રીને આધારે યોદ્ય ન હોવાની વાતનો પણ સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો નહોતો.
છેવટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વરિષ્ઠ જવાબદાર કાયદા અધિકારી દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને સુનાવણી 19મી માર્ચ સુધી મુલતવી રાખી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને માથેરાનમાં ઇ-રિક્ષા માટેના લાઇસન્સ આપવા પર સવાલ ઉઠાવ્યા હતો.
આ સિવાય ગયા વર્ષે જ 10મી જાન્યુઆરીએ કોર્ટે કહ્યું હતું કે માથેરાનમાં જે લોકો હેન્ડ-રિક્ષા (હાથે ચલાવવામાં આવતી રિક્ષા) ચલાવે છે તેમને વળતર રૂપે ઇ-રિક્ષાના લાઇસન્સ આપવા જોઇએ.