આરએસએસના કાર્યક્રમમાં સુનેત્રા પવાર, અજિત પવારે કહ્યું મને ખબર નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના એક કાર્યક્રમમાં હાજરી આપી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ નવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમણે ભાજપના સાંસદ કંગના રનૌતના ઘરે આયોજિત ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ની મહિલા પાંખના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનો ફોટો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં તેની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. એનસીપી (એસપી)ના નેતા અને વિધાનસભ્ય રોહિત પવારે આને બેવડી વર્તણૂક ગણાવીને ટીકા કરી છે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પણ આ અંગે જવાબ આપ્યો છે.
ભાજપના સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. આમાં, તેમણે કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા. એક ફોટામાં એનસીપીના રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર પણ જોવા મળી રહ્યા છે.
‘આજે મારા ઘરે રાષ્ટ્ર સેવિકા સમિતિ મહિલા શાખાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો આપણે બધા ભેગા થઈને સનાતન મૂલ્યો, હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને વધુ મજબૂત બનાવીએ. આપણે બધાએ માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ અને સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે કામ કરતા રહેવાનો સંકલ્પ કર્યો છે. મહિલાઓની જાગૃતિ અને ભાગીદારી દેશને મજબૂત બનાવે છે,’ એમ કંગના રનૌતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ફડણવીસ-રાજ ઠાકરેની બેઠક, અજિત પવારે આપ્યું મોટું નિવેદન
આ દરમિયાન વર્ધામાં એક પત્રકાર પરિષદમાં અજિત પવારને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અજિત પવારે એવો જવાબ આપ્યો હતો કે તેમને આની જાણ નહોતી. અજિત પવારે કહ્યું હતું કે, હું પૂછી જોઈશ. મને ખબર નથી. મને ખબર નથી કે મારી પત્ની સવારથી સાંજ સુધી, મિનિટે-મિનિટે ક્યાં જાય છે. હું હવે પૂછી લઈશ, તે ક્યાં ગઈ હતી? એવા શબ્દોમાં અજિત પવારે સવાલ પુછનારાને ઝાટકી નાખ્યો હતો.
બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના નેતા અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે આની ટીકા કરતાં કહ્યું હતું કે આ અજિત પવારની પાર્ટીનું બેવડું ધોરણ છે.
આ પણ વાંચો: પુણેના ઔદ્યોગિક જગતમાં ‘દાદાગીરી’, અજિત પવારે ફડણવીસના નિવેદન પર શું કહ્યું?
‘તેઓએ આરએસએસના વડાને પૂછવું જોઈએ કે જ્યારે ઓબીસી અનામત આપવામાં આવી ત્યારે કમંડળ યાત્રા શું કામ કાઢવામાં આવી હતી. તેઓ અલગ અલગ કારણોસર સત્તામાં ભેગા આવ્યા હતા, પરંતુ ત્યાં ગયા પછી, તેમણે તેમના કોઈ વિચારો સ્વીકાર્યા ન હોઈ શકે, પરંતુ ક્યાંક તેમના પર સભામાં આવવા, ફોટો પાડવા માટે દબાણ હોઈ શકે છે… એટલે કે, સામાન્ય સમાજમાં એવો સંદેશ પહોંચે છે કે તેઓ આરએસએસના વિચારોને સ્વીકારી રહ્યા છે.
એક તરફ, તમે પ્રગતિશીલ વિચારોનું પાલન કરી રહ્યા છો એમ કહો છો, બીજી તરફ, તમે ચવ્હાણ સાહેબ, શિવ-શાહુ-ફૂલે-આંબેડકરના નામનો ઉલ્લેખ કરો છો, અને હવે જો તમે અથવા તમારા પ્રતિનિધિઓ આરએસએસની સભામાં જઈ રહ્યા છો, તો આ બેવડું ધોરણ છે અને લોકો આજે રાજકારણમાં બેવડું ધોરણ ઇચ્છતા નથી,’ એમ રોહિત પવારે કહ્યું હતું.