નાશિક: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેની સાથે હેલિકોપ્ટરમાં લઇ જતી બેગમાં રોકડ રકમ લઇ જતા હોવાનો આરોપ કર્યો તેના એક જ દિવસ બાદ જ આ આરોપને ખોટા સાબિત કરતી ઘટના બની હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાશિક હેલિપેડ ખાતે પહોંચ્યા ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમની બેગ તપાસવામાં આવી હતી.
ચૂંટણી અધિકારીઓને શિંદેની બેગમાંથી કોઇપણ વાંધાજનક સામગ્રી મળી આવી નહોતી. સામાનની તપાસ દરમિયાન કર્તવ્યનિષ્ઠ ચૂંટણી અધિકારીઓને મુખ્ય પ્રધાન શિંદેએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો.
શિંદેએ આ વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું આટલો સામાન હંમેશા મારી સાથે રાખું જ છું. તેમાં મારા કપડાં હોય છે. આજે પણ હું આ બેગ મારી સાથે લાવ્યો છું.
આ પણ વાંચો: બે કે ચાર પીએમ બનાવીએ અમારી મરજીઃ હવે કોણે આપ્યું આ નિવેદન?
ઉલ્લેખનીય છે કે શિંદે મહાયુતિના ઉમેદવાર તેમ જ હાલના સાંસદ હેમંત ગોડસે હેમંત ગોડસે માટે પ્રચાર કરવા માટે નાશિક પહોંચ્યા હતા. તેમણે નાશિકમાં યોજવામાં આવેલી મોટરસાઇકલ રેલીમાં પણ ભાગ લીધો હતો. સંજય રાઉતે સોમવારે આરોપ કર્યો હતો કે શિંદે નાશિકમાં હેલિકોપ્ટરમાં રોકડ પૈસા ભરેલી બેગ લઇને નાશિક ગયા હતા.
રાઉતે એક્સ(ટ્વિટર) પર શિંદે હેલિકોપ્ટરમાંથી ઉતરતા હોય અને તેમની સાથે બેગ સાથે લઇને ચાલનારા માણસો હોય તેવો વીડિયો મૂક્યો હતો અને લખ્યું હતું કે જો આ લોકો એવો દાવો કરે છે કે તેમની પાસે લોકોનું સમર્થન છે તો પછી મતદારોને આપવા તેમને પૈસાની શું જરૂર છે?