મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ચાર વર્ષમાં સૌથી નીચેઃ ભાવ વધવાની શક્યતા
મહારાષ્ટ્રમાં ખાંડ ખેતપેદાશની સાથે રાજકારણ સાથે પણ સીધો સંપર્ક ધરાવે છે. મોટા રાજકારણીઓ ખાંડની મીલો ધરાવે છે અને ખાંડ અંગેની કેન્દ્ર સરકારની નીતિ રાજકારણમાં મીઠશ કે કડવાશ લાવી શકે છે. જોકે ચિંતાનો વિષય આખા દેશ માટે છે કારણ કે પહેલેથી મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા માટે ખાંડ જેવી મહત્વની વસ્તુનો ભાવ વધવો વધારે મુશ્કેલી લાવી શકે છે.
મહારાષ્ટ્રનું ઉત્પાદન 4 વર્ષની નીચી સપાટીએ પહોંચવાને કારણે ખાંડના ભાવ વધી શકે છે
મહારાષ્ટ્ર, ભારતના ખાંડ ઉત્પાદનમાં સૌથી મોટું યોગદાન આપે છે. સામાન્ય રીતે દેશના ખાંડના ઉત્પાદનમાં ત્રીજા ભાગનું યોગદાન આપે છે. મહારાષ્ટ્રના ઉત્પાદનમાં ઘટાડો દેશને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પાડી શકે છે, તેમ નિષ્ણાતોનું માનવાનું છે. મહારાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે ભારતના ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ છે.
2023/24 વર્ષ માટે ખાંડના ઉત્પાદનમાં લગભગ 14% ઘટાડો અપેક્ષિત છે. ત્યારે આવનારા સમયમાં ભાવ વધે તેવી પૂરી શક્યતા છે. ખાંડના પુરવઠામાં ઘટાડો ખાદ્ય ફુગાવાની ચિંતાને વધુ વધારી શકે છે
દેશના ટોચના ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ગંભીર દુષ્કાળના કારણે ભારતમાં ખાંડની કિંમતો ઊંચે જવાની તૈયારીમાં છે, તેવો અહેવાલ જાણીતી મીડિયા એજન્સીએ આપ્યો છે. આ સદીમાં સૌથી સૂકો ઓગષ્ટ મહિનો રહ્યો છે ત્યારે ખૂબ જ પાણીની જરૂરિયાત ધરાવતો શેરડીનો પાક ઘણો જ ઓછો થયો છે. આથી ખાંડનું ઉત્પાદન ઘટશે તો ભારત સરાકારે નિકાસ પર પણ પ્રતિબંધ લાદવો પડે તેવી શક્યતાઓ અહેવાલમાં દર્શાવાઈ છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર 1લી ઓક્ટોબરથી શરૂ થનારી આગામી 2023/24 સીઝન માટે મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન ઘટીને લગભગ 9 મિલિયન મેટ્રિક ટન થવાની ધારણા છે, જે 10.5 મિલિયન ટનની સરખામણીમાં ઘણું ઓછું કહેવાય.
ખેડૂતોની સમસ્યા એ છે કે શેરડી જોઈએ તેની ઊગી નથી કારણ કે વરસાદનીનોંધપાત્ર ઘટ છે.
શેરડીના ઉત્પાદન માટે જરૂરિયાત એવા વરસાદના 60 ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો છે. તેમાં પણ જો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ નહીં પડે તો સમસ્યા વધારે વિકટ થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
2021/22 સીઝનમાં, મહારાષ્ટ્રે 13.7 મિલિયન ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન કર્યું હતું, જેનાથી ભારતને ઐતિહાસિક 11.2 મિલિયન ટનની નિકાસ કરવામાં મદદ મળી હતી. ત્યારપછીના વર્ષમાં, મહારાષ્ટ્રનું ઉત્પાદન 2022/23માં 10.5 મિલિયન ટન થતાં, ભારતે નિકાસ 6.1 મિલિયન ટન કરી હતી.