મહારાષ્ટ્રના આ શહેરમાં આવી આફત, લોકોમાં ફફડાટ

મુંબઈઃ એશિયાઈ રાષ્ટ્રોમાં ધરતીકંપનું પ્રમાણ વધતું જાય છે, જેમાં રવિવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા પછી મહારાષ્ટ્રના કોયના ડેમના વિસ્તારમાં આંચકા આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.
સાતારાના કોયના ડેમ પરિસરમાં ભૂકંપના (Koyna Dam Earthquake) આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારમાં ભૂકંપને લીધે નાગરિકોમાં ભય નિર્માણ થયો છે. કોયના ડેમ વિસ્તારમાં આવેલા ભૂકંપને લઈને નિષ્ણાંતોએ માહિતી આપી હતી કે કોયના ડેમના પાટણ વિસ્તારમાં સોમવારે સવારે 5.06 વાગ્યાના સુમારે 3.1 તીવ્રતાના ભૂકંપની નોંધ કરવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ કોયના ડેમથી છ કિલોમીટરની પશ્ચિમમાં નોંધવામાં આવ્યું હતું અને ભૂકંપને લીધે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. માત્ર થોડા સમય સુધી આંચકા અનુભવતા નાગરિકોમાં ભયની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના કોયના ડેમના વિસ્તારમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે રવિવારે આવેલા ભૂકંપનું તીવ્રતા માત્ર 3.1 રિક્ટર સ્કેલની હતી, જેથી કોઈ પણ પ્રકારની મોટી હાનિ થઈ નહોતી.
અહીં એ જણાવવાનું કે રવિવારે ગુજરાતના કચ્છમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છ જિલ્લાના ભચાઉ, નેર કડોલ વગેરે આ ગામમાં ભૂકંપના આંચકા અનુભવાતા પ્રશાસન એલર્ટ થઈ ગયું હતું.