વિદ્યાર્થીઓ અડધી રાત સુધી જાગે છે, ઊંઘનું ગણીત જાણીને શાળાનો સમય નક્કી કરો: રાજ્યપાલની સૂચના

મુંબઇ: બદલતી જીવનશૈલી પ્રમાણે બધાની જ સ્લીપીંગ પેટર્ન પણ બદલાઇ છે. બાળકો અડધી રાત સુધી જાગતા હોય છે અને સ્કૂલને કારણે તેમને જલદી ઉઠવું પડે છે. જેને કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી. બાળકોને સારી ઊંઘ મળે તેને ધ્યાનમાં રાખીને સ્કૂલોનો સમય બદલવા અંગે વિચારણા કરવી જોઇએ. એવી સૂચના રાજ્યપાલ રમેશ બૈસે રાજભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપી હતી.
મંગળવારે ‘મુખ્યમંત્રી માઝી શાળા, સુંદર શાળા’ આ અભિયાનનો પ્રારંભ કાર્યક્રમ રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે રાજભવન ખાતે યોજાયો હતો. આ સમયે વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવને દૂર કરવા માટે રાજ્યપાલ રમેશ બૈસે શિક્ષણ વિભાગને કેટલાંક સૂચનો આપ્યા હતાં.
‘બાળકોની બેગનું વજન હલકું કરવા પુસ્તકો વગરની શાળા, ઇ-વર્ગ વગેરેને પ્રોત્સાહન આપવું જોઇએ. સ્કૂલોને તેની ગુણવત્તાના આધારે પુરસ્કૃત કરવી. જેને કારણે સ્કૂલોમાં સુધારણા અંગે સ્પર્ધા થશે’ એમ બૈસે કહ્યું હતું.
અભ્યાસ બાળકો માટે આનંદદાયક બને તે માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓ પર હોમવર્કનો વધુ બોજો ના નાંખવો જોઇએ. ખેલ-કૂદ તથા અન્ય પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપવું. એવા સૂચનો પણ તેમણે આપ્યા હતાં. સાઇબર ક્રાઇમથી બાળકોનું રક્ષણ થાય તે માટે સ્કૂલોમાં વ્યાખ્નો અને વર્કશોપનું આયોજન કરવું. રાજ્યમાં સેંકડો સાર્વજનીક ગ્રંથાલય છે. જોકે આ ગ્રંથાલયો ખાલી પડ્યા છે. મોટાભાગના પુસ્તકો જૂના અથવા તો આઉટડેટેડ થઇ ગયા છે. દરેક લાયબ્રેરીને ઇન્ટરનેટ અને કમ્પ્યુટરની સુવિધા આપી તેને ફરી જીવંત કરવી આવશ્યક છે. આ માટે ગ્રંથાલય દત્તક યોજના શરુ કરવી જોઇએ. એવી સલાહ પણ રાજ્યપાલ રમેશ બૈસે આપી હતી.