મહારાષ્ટ્ર

કૃત્રિમ અને નકલી પનીરના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: અજિત પવાર

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રયોગશાળાઓને નોંધપાત્ર ભંડોળ અપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નકલી પનીર અથવા કૃત્રિમ પનીર ચોક્કસપણે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ પનીર વેચનારાઓ અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એનાલોગ પનીરના નામ હેઠળ કૃત્રિમ પનીર અથવા નકલી પનીરના વેચાણ અંગે સંબંધિત અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને ક્ષેત્રના નિષ્ણાતો સાથે બેઠક યોજવામાં આવશે એમ વિધાનસભામાં એક ધ્યાનાકર્ષક સૂચનાના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બેઠકમાં નિર્ણય લીધા બાદ નકલી પનીરના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં એનાલોગ ચીઝ, એનાલોગ પનીર, કૃત્રિમ પનીર અથવા નકલી પનીર નામથી વેચાઈ રહ્યું છે તે અંગે સભ્ય વિક્રમ પાચપુતેએ અને કૈલાસ પાટીલે આ મુદ્દો વિધાનસભામાં ઉપસ્થિત કર્યો હતો.

આપણ વાંચો: નકલી પનીર બાદ રાજકોટથી ઝડપાયું નકલી બીડીનું કારખાનું

જવાબમાં માહિતી આપતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ઓળખવા માટે નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓની તપાસ અને વિશ્લેષણ કરવામાં આવે છે.

પ્રયોગશાળા વિશ્લેષણમાં ભેળસેળયુક્ત મળી આવેલા નમૂનાઓ પર કાર્યવાહી કરીને ભેળસેળયુક્ત ઉત્પાદનોને જાહેર જનતા સુધી પહોંચતા અટકાવી શકે છે. આ માટે, નવી પ્રયોગશાળાઓના નિર્માણ અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પ્રયોગશાળાઓને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર ભંડોળ પૂરું પાડવામાં આવશે.

નકલી પનીરના વેચાણ, સંગ્રહ અને પરિવહન પર કડક કાર્યવાહી કરવા માટે હાલના નિયમોમાં સુધારો કરવામાં આવશે. ઉપરાંત, કેન્દ્ર સરકારના નિયમો પર ચર્ચા કરવા અને તેમાં ફેરફાર કરવા માટે સંબંધિત કેન્દ્રીય પ્રધાનોને વિનંતી કરવામાં આવશે. તેમણે એવી સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે કોઈપણ સંજોગોમાં આવા પનીર વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button