ડાન્સ બાર ફરી ધમધમતા કરવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકવાની ફિરાકમાં રાજ્ય સરકાર

મુંબઈઃ લાખો લોકોનાં જીવન જેને કારણે બરબાદ કરનારા ડાન્સબારને ૨૦ વર્ષ પહેલાં કોંગ્રેસ અને એનસીપીની સરકારે બંધ કરાવ્યા હતા. રાજ્ય સરકાર ડાન્સ બાર ફરી શરૂ કરાવવા માગે છે એવા અહેવાલો હતા, પણ સૂત્રોનું માનીએ તો સરકાર ડાન્સ બારની આ છમ છમા છમ પર કાયમી તાળું મારી દેવા માટે આ સંબંધી કાયદામાં જડબેસલાક સુધારો કરવાની ફિરાકમાં છે.
મંગળવારે પ્રધાનમંડળની બેઠક મહારાષ્ટ્રની હોટેલ અને બારમાં અશ્લીલ નૃત્યો પર પ્રતિબંધ લાવવા બાબત અને તેમાં કામ કરી રહેલી મહિલાઓની ગરિમાના રક્ષણ માટે અધિનિયમ ૨૦૧૬માં સુધારો કરવાનો પ્રસ્તાવ હતો.
આપણ વાંચો: આગામી સપ્તાહમાં બે દિવસ મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકનું આયોજન, મહત્ત્વના નિર્ણયો લઈ શકાય
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા હતા અને તેની આડશમાં ડાન્સ બાર ફરી શરૂ કરવાની હિલચાલ ચાલી રહી છે. જોકે આમાં સફળતા મળે નહીં એ માટે સરકાર વિધાનસભાના આગામી બજેટ સત્રમાં ખરડો રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
સૂત્રોનું માનીએ તો સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો આધાર લઈને કોઈ ફરી ડાન્સ કરવા માટે કોર્ટ જઈ નહીં શકે એવો જડબેસલાક કાયદો ઘડવા સરકાર માગે છે. મહાયુતિ પાસે બહુમતી હોવાથી આ ખરડો પસાર કરવામાં કોઇ સમસ્યા નહીં થાય. આથી હવે મુંબઈ સહિત રાજ્ય આખામાં ડાન્સબાર ફરી ધમધમે એવી શક્યતા નથી.
આપણ વાંચો: બીડ સરપંચ હત્યાના આરોપીઓને ફાંસી આપવી જોઈએ: ધનંજય મુંડે
તો પછી જોઈ લેજોઃ રોહિત પાટીલની ચીમકી
ડાન્સબાર બંધ કરવામાં જેમની સૌથી મોટી ભૂમિકા હતી એ સ્વર્ગીય આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલે સરકારને ચેતવણી આપી છે કે જો ડાન્સ- બાર ફરી ધમધમવા દેવામાં આવશે તો મહારાષ્ટ્રની સંસ્કૃતિને બચાવવા માટે અમે મેદાનમાં ઊતરીશું.
ઉલ્લેખનીય છે કે ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૫માં ડાન્સબાર બંધ કરાવવાનો શ્રેય દિવંગત મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના પ્રધાનમંડળમાં રહેલા દિવંગત ગૃહપ્રધાન આર. આર. પાટીલને જાય છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને અમુક નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.