એસટી બસને રક્ષાબંધન ગિફ્ટ: વિક્રમી રૂ. ૧૩૭ કરોડની આવક!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષોથી ખોટમાં રહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ને આ વર્ષે રક્ષાબંધનના દિવસે વિક્રમી આવક થઈ છે. ફક્ત ચાર દિવસમાં ૮થી ૧૧ ઑગસ્ટના સ્ટેટ ટ્રાન્સપોર્ટને લગભગ ૧૩૭.૩૭ કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ચાલુ આર્થિક વર્ષમાં સૌથી વધુ કહેવાય છે. તેમાં પણ ફક્ત એક જ દિવસમાં ૧૧ ઑગસ્ટના લગભગ ૩૯ કરોડ રૂપિયાની આવક થઈ હતી.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને મંગળવારે ચાર દિવસની એસટીની આવકના આંકડા બહાર પાડયા હતા અને કહ્યું હતું કે રક્ષાબંધન અને ભાઈબીજ આ બે તહેવાર એસટી માટે સોનેરી દિવસ લાવે છે. આ બંને દિવસે એસટીના ટિકિટ બારી પણ લાંબી લાઈન લાગતી હોય છે.
એસટીના જણાવ્યા મુજબ રક્ષાબંધનના આગલા દિવસે ૩૦.૦૬ કરોડ રૂપિયા નવ ઑગસ્ટ રક્ષાબંધનના દિવસે ૩૪.૮૬ કરોડ તેના બીજા દિવસે એટલે કે રવિવારે ૩૩.૩૬ કરોડ રૂપિયા અને સોમવારે ૩૯.૦૯ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ સમય દરમ્યાન કુલ એક કરોડ ૯૩ લાખ પ્રવાસીઓએ એસટી બસમાં પ્રવાસ કર્યો હતો, જેમાંથી લગભગ ૮૮ લાખ મહિલા પ્રવાસી હતી.