સોલાપુરમાં ચાર વિધાનસભ્યોને કારણે ભાજપ-એનસીપી વચ્ચે સંબંધો બગડશે?

અજિત પવારે પોતાના ખાસ માણસને મોકલ્યા ડેમેજ ક્ધટ્રોલ માટે: ભાજપની શત પ્રતિશત ઝુંબેશની તૈયારી હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. સોલાપુરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીને મોટો ઝટકો લાગવાની શક્યતા નિર્માણ થઈ છે કેમ કે એવું જાણવા મળી રહ્યું છે કે એનસીપીના સોલાપુર જિલ્લાના ચાર ભૂતપૂર્વ વિધાનસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાશે. જો આવું થાય તો પાર્ટીને મોટું નુકસાન થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નુકસાન રોકવા અજિત પવારના નજીકના એક અનુભવી નેતાને સોલાપુર મોકલવામાં આવ્યા છે.
સોલાપુર જિલ્લાના એનસીપીના ભૂતપૂર્વ વિધાનસભ્યો ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે એવા અહેવાલો વહેતા થયા બાદ કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણેએ મંગળવારે ટેમ્ભુર્ણીમાં એક બેઠક યોજી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપ-એનસીપીમાં નવાજૂની થવાના એંધાણઃ આ નેતાએ કર્યો મોટો દાવો
મોહોળના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજન પાટિલ, અન્ય એક ભૂતપૂર્વ વિધાનસભ્ય યશવંત માને, સાંગોલાના ભૂતપૂર્વ વિધાનસભ્ય દીપક આબા સાળુંખે અને માઢાના ભૂતપૂર્વ વિધાનસભ્ય બબન દાદા શિંદે પાલક પ્રધાન જયકુમાર ગોરેના નેતૃત્વમાં ભાજપમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી છે.
‘જો દત્તાત્રય ભરણે અજિત દાદાને છોડી દે તો પણ અજિત દાદાને કોઈ ફરક પડશે નહીં,’ એવા શબ્દોમાં તેમણે પાર્ટી છોડવા માગતા નેતાઓને આડકતરી ચેતવણી આપી હતી. ‘જોકે, જો ભરણે છોડી રહ્યા છે, તો તેમને મનાવવા જરૂરી છે અને આ માટે અમે પાર્ટી છોડવાની તૈયારી કરી રહેલા નારાજ નેતાઓને મળીશું અને મનાવીશું,’ એમ દત્તાત્રય ભરણેએ મંગળવારે રાતે સોલાપુરમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો
એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ નેતાઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. તેમના પક્ષ પ્રવેશની ચર્ચાઓ પછી ડેમેજ કંટ્રોલ માટે મોકલવામાં આવેલા ભરણેએ એવો દાવો કર્યો હતો કે તેઓ ફક્ત વાતચીત માટે આવ્યા હતા, ડેમેજ કંટ્રોલ માટે નહીં, પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે આ બધું ફક્ત ડેમેજ કંટ્રોલ માટે અને વધુ ગળતર અટકાવવા માટે હતું.
‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ઘણા ઉમેદવારોની કતાર છે. અમે તેમને યોગ્ય સમયે પ્રવેશ આપીશું,’ એમ પણ દત્તાત્રય ભરણેએ કહ્યું હતું.
‘અજિત દાદાને સોલાપુર માટે ખૂબ પ્રેમ છે અને જિલ્લાના નેતાઓ પણ દાદાને પ્રેમ કરે છે. તેથી, કોઈ પાર્ટી છોડશે નહીં,’ એવો દાવો પણ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો : એકનાથ શિંદે જ્યારે ગામ ચાલ્યા જાય છે ત્યારે…ભાજપની ચિંતા વધી
ઓપરેશન લોટસ સામે ભાજપના જ સ્થાનિક કાર્યકર્તાનો વિરોધ
મુંબઈ: એક તરફ ભાજપ ઓપરેશન લોટસ હેઠળ એનસીપીના સોલાપુર જિલ્લાના ચાર ભૂતપૂર્વ વિધાનસભ્યોને ભાજપમાં લાવવા જહેમત કરી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના પ્રધાન અને સોલાપુરના પાલક પ્રધાન જયકુમાર ગોરેના આ ઓપરેશન લોટસ સામે સ્થાનિક નેતાઓએ ધરણાં કરીને વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના વિધાનસભ્ય સુભાષ દેશમુખના ઈશારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. વાસ્તવમાં યશવંત માનેને ભાજપમાં લાવવા સામે વિરોધ પ્રદર્શન કરનારા ભાજપના કાર્યકર્તાઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ કલંકિત નેતાને ભાજપમાં લેવા સામે વિરોધ કરી રહ્યા છે.