મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માતઃ પરત ફરી રહેલા છ યાત્રીના મોત, ઘણા ઘાયલ

નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબારમાં તહેવારોના દિવસે જ ભીષણ અકસ્માત થયો છે, જેમાં છ જણે જીવ ગુમાવ્યો છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના કહેવા અનુસાર ઘાયલોની સ્થિતિ જોતા મૃત્યાંક વધવાની સંભાવના છે.
નંદુરબાર જિલ્લાના ચાંદશૈલી ઘાટ પર શનિવારે એક ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અહીં ચાંદશૈલી ઘાટ પર એક પિકઅપ વેન પલટી જતાં આ અકસ્માત થયો હતો. આ વાહનમાં સવાર લોકો અસ્તમ્બ યાત્રા માટે ગયા હતા. આ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે આ શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. જ્યારે પિકઅપ વેન ચાંદશૈલી ઘાટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને મોટો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. દસ જણ ઘાયલ છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું ત્યાં હાજર લોકોનું કહેવાનું છે. હાલમાં, તે બધાને સારવાર માટે તલોદા ઉપજિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે ઘાયલોને પિકઅપ વાનમાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે મોકલ્યા હતા.
અકસ્માત એટલે ગંભીર હતો કે મૃતકો અને ઘાયલોની હાલત જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. એ દૃશ્યો ભયાનક હતા. મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં પણ જહેમત ઉઠાવવી પડી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તારણ અનુસાર જ્યારે પિકઅપ વેન ઘાટ પર હતી, ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને વાહન પલટી ગયું. પરિણામે, વાહનની પાછળ બેઠેલા લોકો કચડાઈ ગયા હતા અને તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
આ પણ વાંચો…માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પુત્રને 1.2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ…