ઊલટી ગંગા વહી: મહિલા પીડિત પુરુષોએ બાળ્યું શૂર્પણખાનું પૂતળું

છત્રપતિ સંભાજીનગર: અસત્ય પર સત્યના વિજય રૂપે વિજયાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, પરંતુ છત્રપતિ સંભાજીનગરમાં એક જગ્યાએ રાવણના બદલે તેની બહેન શૂર્પણખાના પૂતળાને બાળવામાં આવ્યું હતું. દહન પહેલા આરતી ગાવામાં આવી અને વિધિસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પત્ની પીડિત આશ્રમના પદાધિકારીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પત્ની પીડિત પુરુષોના આશ્રમમાં શૂર્પણખાનું પૂતળું બાળવામાં આવ્યું હતું. આશ્રમના એક સભ્યએ જણાવ્યું હતું કે વર્ષોથી રાવણનું પૂતળું બાળવામાં આવી રહ્યું છે. તેથી હવે પુરુષોમાની ખરાબ વૃત્તિઓ મરી પામી છે, પણ શૂર્પણખા બહેનો (મહિલાઓ) સુધરી નથી. મહિલાઓમાં રહેલી ખરાબ વૃત્તિ પણ બળીને રાખ થઇ જાય તે માટે અમે શૂર્પણખાનું પૂતળું બાળ્યું છે. પુરુષો પર અન્યાય, ખોટા કેસ, ભરણપોષણ આપવાનો બોજો, મહિલાઓ માટેના કાયદાનો દુરુપયોગ વગેરેથી કંટાળીને પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે મહિલાઓ કરતા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે. તેથી પુરુષોના રક્ષણ માટે સ્વતંત્ર પંચ, ઘરેલુ હિંસાથી સંરક્ષણ કાયદો, તેમજ પોલીસ સ્ટેશનોમાં લાઇવ ડિટેક્ટર સુવિધા હોવી જોઇએ, એવી માગણી તેમણે કરી હતી.