શોકિંગઃ મહારાષ્ટ્રના ટાઈગર રિઝર્વમાં બે દિવસમાં બે વાઘનાં મોત
ગોંદિયાઃ ગોંદિયા જિલ્લાના નવાગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વમાં છેલ્લા બે દિવસમાં બે વાઘના મોત થયા છે. ગોંદિયા જિલ્લાના નવાગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વમાં મોટી સંખ્યામાં વાઘ છે, તેથી ઘણા પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લેવા આવે છે, પરંતુ હવે બે દિવસમાં બે વાઘના મોત થયા છે. આ બંને વાઘ વર્ચસ્વની લડાઈમાં માર્યા ગયા છે. ૨૨ મીએ, નવાગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વમાં પેટ્રોલિંગ દરમિયાન વનવિભાગના કર્મચારીને ટી૯ વાઘ મૃત અવસ્થામાં મળ્યો હતો, બાદમાં વરિષ્ઠ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ વન્યજીવ પ્રાણીઓ અને પશુ ચિકિત્સા અધિકારીઓની બનેલી સમિતિ દ્વારા વાઘનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વાઘ પરના નિશાનો અનુસાર, એવું કહેવાય છે કે ટી૯ વાઘનું મૃત્યુ બે વાઘ વચ્ચેની સર્વોપરિતાની લડાઈને કારણે થયુ હતું. ટી9 વાઘ લગભગ ૧૧ થી ૧૨ વર્ષનો હતો અને ૨૦૧૬થી ઘણા વર્ષો સુધી નવાગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વમાં હતો. ત્યારબાદ ૨૩મીએ ટી૪ વાઘણના ચાર બચ્ચા પૈકી એક બચ્ચું વિકૃત હાલતમાં વન કર્મચારીઓને મળી આવ્યું હતું.
ત્રણ દિવસ પહેલા તેનું મૃત્યુ થયું હશે તેવો પ્રાથમિક અંદાજ છે, તેના શરીર પર ઘણા નિશાન પણ જોવા મળ્યા હતા, તેથી નવાગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વમાં એક નવો વાઘ આવ્યો હોવાથી પ્રશ્ન ઉભો થયો છે કે શું નવો વાઘ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે અન્ય વાઘોને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સંદર્ભે, હવે તમામ ફોરેસ્ટ સ્ટાફ કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે અને નવાગાંવ નાગજીરા ટાઇગર રિઝર્વમાં દરરોજ પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી નવા વાઘ ક્યાં અને કેમ છે તેની માહિતી મેળવી શકાય.