મહારાષ્ટ્ર

શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યે ફડણવીસ પર ધારાશિવના 250 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો રોકવાનો આરોપ લગાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય કૈલાસ પાટીલે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર વહીવટી મંજૂરી મળ્યા છતાં ધારાશિવ જિલ્લામાં 250 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો અટકાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ફડણવીસે અગાઉ કહ્યું હતું કે, તેઓ ચાલુ વિકાસ કાર્યો રોકવા, ઉદ્ધવ ઠાકરે નથી, પરંતુ તેમની સરકાર કામને આગળ વધારવામાં નિષ્ફળ ગઈ છે.

ધારાશિવ જિલ્લા કલેક્ટરને અગાઉ રાજ્ય સરકાર તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ કામોને વહીવટી મંજૂરી આપવાનો નિર્ણય આગામી આદેશ સુધી સ્થગિત રાખવામાં આવે.

આ પણ વાંચો: મરાઠવાડામાં દુકાળ ભૂતકાળ બની જશે: ફડણવીસ

એક્સ પર એક પોસ્ટમાં, વિધાનસભ્ય પાટીલે કહ્યું હતું કે, ‘ઉંચા દાવા કરવામાં આવ્યા હતા કે ધારાશિવ જિલ્લામાં સકારાત્મક પરિવર્તન આવશે. ચૂંટણી સમયગાળા દરમિયાન આવા વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતામાં આવું કંઈ થયું નથી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, વિકાસની કરોડરજ્જુ ગણાતી જિલ્લા આયોજન સમિતિએ 250 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો પર રોક લગાવી દીધી છે.

મુખ્ય પ્રધાન ફડણવીસ પર નિશાન સાધતા વિધાનસભ્યે કહ્યું હતું કે, ‘એક તરફ તેઓ (ફડણવીસ) કહે છે કે હું ઉદ્ધવ ઠાકરે નથી કે ચાલુ કામો અટકાવું, બીજી તરફ ધારાશિવમાં વિકાસ કાર્યો અટકાવી દેવામાં આવ્યા. તેથી હવે બધા જાણે છે કે તેમના કહેવા અને કરવામાં ફરક છે.’

તેમના મતે, અગાઉની એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો અટકાવ્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ નથી.

‘સરકારની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે મહત્વાકાંક્ષી જિલ્લા (ધારાશિવ)નો વિકાસ ઝડપથી થાય, પરંતુ અહીં ગંગા ઊલટી દિશામાં ચાલી રહી છે. ધારાશિવને વિકાસથી વંચિત રાખતી સરકારને લોકો યોગ્ય જવાબ આપશે,’ એમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button