વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજયમાંથી એમવીએ હજુ બહાર આવ્યું નથી: મહારાષ્ટ્ર એનસીપી વડા
મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ સુનીલ તટકરેએ શનિવારે જણાવ્યું હતું કે, શિવસેના (યુબીટી)નો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજયને કારણે એમવીએમાં રહેલી અસ્વસ્થતા દર્શાવે છે.
તેઓ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એકલા લડવાની જાહેરાત પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
એનસીપીના નેતાએ કહ્યું કે ઈન્ડિ ગઠબંધન અને મહા વિકાસ આઘાડી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાના એકમાત્ર એજન્ડા પર અસ્તિત્વમાં આવી હતી.
આ પણ વાંચો: એમવીએમાં ભંગાણના એંધાણ?
‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજયને એમવીએ હજુ પણ પચાવી શકી નથી. વિપક્ષી જૂથમાં અત્યારે એકબીજા પર દોષારોપણની સ્પર્ધા ચાલી રહી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એકલા ઉતરવાની આ જાહેરાત કેન્દ્ર અને રાજ્યમાં મજબૂત અને સ્થિર સરકારો પ્રત્યેની અસ્વસ્થતાને દર્શાવે છે,’ એમ તટકરેએ પત્રકારોને જણાવ્યું હતું.
તટકરેએ કહ્યું કે મહાયુતિના મુખ્ય ઘટક પક્ષો – ભાજપ, શિવસેના અને એનસીપી – ઉત્તમ સંકલન ધરાવે છે.
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાનો નિર્ણય (જેનું સમયપત્રક હજુ જાહેર થયું નથી) મહાયુતિના નેતાઓ દ્વારા સર્વાનુમતે લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પહેલાં સંજય રાઉતે કહ્યું હતું કે, વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને એવા ગઠબંધનમાં તકો મળતી નથી જે સંગઠનાત્મક વિકાસને પણ અવરોધે છે, તેથી સેના (યુબીટી) મુંબઈ, થાણે, નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પરિષદો અને પંચાયતોની ચૂંટણીઓ સ્વબળે લડશે.