આર્થિક વિવાદને લઇ યુવકની હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો
શિવસેનાના પદાધિકારી, અન્ય ત્રણ જણની ધરપકડ

મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં આર્થિક વિવાદને લઇ યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરીને મૃતદેહ સળગાવવા બદલ શિવસેનાના પદાધિકારી તથા અન્ય ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બે વર્ષ અગાઉ હત્યાની ઘટના બની હતી અને આ પ્રકરણે પોલીસે ગયા સપ્તાહે આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતક સિદ્ધિવિનાયક ઉર્ફે પ્રકાશ બિડવકલ (35) કુડાળના ચેંદવણનો રહેવાસી હતો. પ્રકાશ 2023માં ગુમ થયો હતો અને તેના પરિવારજનોએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે કેટલાક દિવસ અગાઉ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સૌરભ કુમાર અગરવાલના નિર્દેશને પગલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) તૈયાર કરવામાં આવી હતી અને તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે શિવસેનાના સ્થાનિક પદાધિકારી સિદ્ધેશ અશોક સિરસાટ માટે પ્રકાશ કામ કરતો હતો.
આ પણ વાંચો: ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની કરી હત્યા: ડૉક્ટર, તેના ભાઇની ધરપકડ…
પોલીસ ટીમને જાણવા મળ્યું હતું કે સિદ્ધેશ સિરસાટ અને તેના મિત્ર ગણેશ નાર્વેકર પાસેથી પ્રકાશે ઉછીના પૈસા લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધેશ અને ગણેશ નાર્વેકરે પ્રકાશનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું અને તેને અન્ય આરોપી અમોલ શિરસાટના ઘરે લઇ જવાયો હતો. પ્રકાશની બેરહેમીથી મારપીટ કર્યા બાદ તેની હત્યા કરાઇ હતી. મારપીટનો તેમણે વીડિયો પણ ઉતાર્યો હતો. આરોપીઓએ ત્યાર બાદ સ્મશાનમાં પ્રકાશના મૃતદેહને સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો.
સિદ્ધેશ અને તેના સાથીદારો પ્રકાશના અવશેષોને બે ગૂણીમાં ભરીને સાતર્ડા ગામમાં લઇ આવ્યા હતા અને તેરેખોલ નદીમાં ફેંકી દીધા હતા.
આ કેસમાં ધરપકડ કરાયેલા સિદ્ધેશ શિરસાટ (44), ગણેશ નાર્વેકર (33), સર્વેશ કેરકર (29) અને અમોલ શિરસાટ (32)ને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
(પીટીઆઇ)