શિરડીમાં ભક્તોને લૂંટનારા સામે સરકારની મોટી કાર્યવાહીઃ ત્રણ દુકાનને સીલ કરાઈ

અહિલ્યાનગરઃ મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળ શિરડીમાં સાઇબાબાના દર્શને દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે. પરંતુ અમુક સ્થાનિકો દ્વારા શ્રદ્ધાળુઓની લૂંટ ચલાવવામાં આવતી હોય છે. સાઇબાબાના ચરણે જે વસ્તુઓ અને સામગ્રી ચઢાવવામાં આવે છે તેના ભાવ વધુ લઇને ભક્તોની છેતરપિંડી કરવામાં આવે છે.
આ અંગેની ફરિયાદો મળતા શિરડી પાલિકાએ હવે કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં ત્રણ દુકાન સામે કાર્યવાહી કરીને તેને તાળા લગાવી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીને કારણે અન્ય વેપારીઓમાં પણ સારો એવો ડર બેસી ગયો છે. અહિલ્યાનગરના પાલકપ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે પણ આ કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સાઇભક્તોની થઇ રહેલી છેતરપિંડી અને લૂંટને ધ્યાનમાં રાખીને શિરડી ગ્રામસંસ્થાએ આક્રમક ભૂમિકા અપનાવીને પાલિકાએ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. આવી લૂંટ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવનાર છે.
શિરડીમાં સાઇના દર્શને આવનારા ભક્તો ફુલ-નાળીયેર સહિતની સામગ્રીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ સામગ્રીના વધુ ભાવ વસૂલીને દુકાનદારો ખુલ્લી લૂંટ ચલાવતા હોય છે. આવી ત્રણ દુકાનોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે અને તેમની સામે પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવશે, એવી માહીતી સૂત્રોએ આપી હતી. ભક્તોની લૂંટ ચલાવનારાઓનો બહિષ્કાર કરવો જોઇએ, એમ વિખે-પાટીલે જણાવ્યું હતું.