શિરડી સાંઇબાબા ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય: સાંઇ ભક્તોએ દાન કરેલ બ્લડ હવે જરુરીયાતમંદોને મફતમાં અપાશે
શિરડી: શિરડી સાંઇબાબા ટ્રસ્ટની ત્રણ સદસ્યોની બેઠક દરમીયાન અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં નવી દર્શન પાસીસ પોલીસી, ડોનેશન પોલીસી, રક્તદાન પોલીસી, સાંઇ મંદિર નિર્માણ પોલીસી, દેશવ્યાપી મંદિર એસોસિએશનની સ્થાપના વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ બાબતે અંતિમ નિર્ણય લેતા પહેલાં ભક્તો અને ગામજનો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે એવી જાણકારી સાંઇબાબા ટ્રસ્ટના સીઇઓ પી. શિવા શંકરે પત્રકારોને આપી હતી.
શિરડી સાંઇબાબા મંદિરમાં ભક્તો દ્વારા રક્તદાન કરવામાં આવે છે હવેથી દાનમાં મળેલ લોહી જરુરિયાતમંદ દર્દીને મફતમાં આપવામાં આવશે. અહીં કેટલીક બહારની સંસ્થાઓ પણ બ્લડ કલેક્શન કરતી હોય છે તેમને પણ આ બ્લડ મફતમાં જ આપવું પડશે. આ અંગે ટ્રસ્ટ જાતે જ જરુરિયાતમંદ દર્દી સાથે વાત કરી ખાતરી કર્યા બાદ બ્લડ ડોનેટ કરશે. બ્લડની આ બેગ્સ પર સંસ્થાનો ટેગ હશે અને નોટ ફોર સેલ લખેલું હશે.
દરમીયાન એક પૂર્વ નગરસેવકે સોમવારે ભક્તો પાસેથી વધારે પૈસા લઇ પાસ વેચ્યા હોવાની ફરિયાદ સંસ્થાને મળી છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે. આરતી અને દર્શન પાસમાં થઇ રહેલ ગેરરીતી રોકવા માટે આગળથી આ પાસીસ લેનારનો મોબાઇલ નંબર અને આધર કાર્ડ ફરજિયા બનશે. પાસીસના કન્ફર્મેશનનો મેસજ ભક્તોના ફોન પર આવશે.
આવતા શુક્રવાર એટલે કે 29મી સપ્ટેમ્બરથી તેનો પ્રાયોગીક ધોરણે અમલ કરવામાં આવશે. હવેથી પોલીસ મંદિર પરિસરમાં ફરનારા અને ભક્તોને ગેરમાર્ગે દોરનારા લોકોને શોધીને તેમના પર કાર્યવાહી કરશે. વારંવાર જો એક જ વ્યક્તિ પર કાર્યવાહી થશે તો એ વ્યક્તિને હદ પાર કરવા માટે જિલ્લા અધિકારી અને પોલીસને સંસ્થા તરફથી પત્ર લખવામાં આવશે.