‘મહાયુતિ’માં સબ સલામતઃ શિંદેના રાજકીય ભાવિ અંગે કોંગ્રેસના નેતાનો ચોંકાવનારો દાવો
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાવિકાસ આઘાડીને ફટકો પડ્યો છે, પરંતુ મહાયુતિમાં આંતરિક ખેંચાખેંચી યથાવત છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં પાલક પ્રધાનોની નિમણૂકને લઈ એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો વચ્ચે હવે તેમના ભાવિ અંગે કોંગ્રેસના નેતાએ ચોંકાવનારો દાવો કર્યો હતો.
કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું રાજકીય આસાન અસ્થિર છે અને તેમને દૂર કરવામાં આવે એવી સંભાવના છે. આ સાથે શિવસેનામાં નવો ‘ઉદય’ જોવા મળી શકે છે. નામનો ફોડ પાડ્યા વિના રાજ્યના પ્રધાન ઉદય સામંત તરફ ઈશારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહાયુતિના વિધાનસભ્યોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી પંચસૂત્રી…
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પાલક પ્રધાનોની નિમણૂક અંગે શિંદેની નાખુશી અંગેની અટકળો પર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પ્રતિક્રિયા આપી રહ્યા હતા. શિંદે અંગત મુલાકાત માટે સાતારા જિલ્લાના પોતાના વતન જવા રવાના થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
‘વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં એકનાથ શિંદેની સ્થિતિ ખૂબ જ નાજુક છે. શિંદેને હાંસિયામાં ધકેલી દેવામાં આવે એવી સંભાવના છે. શિંદેની રાજકીય ઉપયોગિતા સમાપ્ત થઈ ગઈ હોય એવું મારું માનવું છે. ઉદ્ધવજી (ઠાકરે)ને હડસેલી શિંદેજીને લાવવામાં આવ્યા હતા’ એમ કોંગ્રેસ નેતાએ નાગપુરમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહાયુતિમાં ચોથા વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી: ફડણવીસ અમે તમારા દરવાજે નહીં આવીએ: સંજય રાઉત
ભાજપ પર આડકતરો પ્રહાર કરી વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં શિવસેનાના ત્રીજા ‘ઉદય’ની સંભાવના સાથે રાજકીય પરિસ્થિતિ આકાર લઈ શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ‘એક ઉદય (રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત) બંને નૌકાઓમાં સવાર છે અને (બંને પક્ષો સાથે) ખૂબ જ સારા સંબંધો જાળવે છે.’
ફડણવીસ સરકારે શનિવારે મહારાષ્ટ્રના 36 જિલ્લાના પાલક પ્રધાનોની જાહેરાત કરી હતી. જોકે, એક દિવસ બાદ નાશિક અને રાયગઢ માટેની નિમણૂક પર રોક લગાવવામાં આવી હતી.
(પીટીઆઈ)