મહારાષ્ટ્ર

શિંદેના પ્રધાન મુશ્કેલીમાં મુકાશે: બસ ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે ફડણવીસે તપાસનો આપ્યો આદેશ

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાયાના ત્રણ જ મહિનામાં શિવસેનાના એકનાથ શિંદે દ્વારા અગાઉ લેવાયેલા નિર્ણયોને અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા હોવાની ચર્ચા રાજકારણમાં જોર પકડી રહી છે ત્યારે વધુ એક ઝટકો એકનાથ શિંદેને લાગી શકે છે. જેમની પાસે પરિવહન ખાતું છે એ પ્રતાપ સરનાઈકે ભાડાં પર ખરીદવાની બસોની ટેન્ડર પ્રક્રિયામાં ઘણી ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. જેને પગલે મુખ્ય પ્રધાને દેવેન્દ્ર ફડણવીસે તપાસનો આદેશ આપ્યો છે.

જેને કારણે 1700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું એ એમએસઆરટીસીની બસોને ભાડે આપવાના ટેન્ડરની પ્રક્રિયાની તપાસ કરવાનું વચન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યું હતું. વિધાનસભા પરિષદમાં બોલતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ (એમએસઆરટીસી)ના સ્તરે કોન્ટ્રાક્ટરો સાથે મિલનસાર દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને હવે આ મામલે એક મહિનામાં પગલાં લેવામાં આવશે. ફડણવીસ કોંગ્રેસના રાજેશ રાઠોડ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપી રહ્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?

1310 બસ ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયાના ઓર્ડરો ત્યારે આપવામાં આવ્યા હતા, જ્યારે સરકાર (નવેમ્બર, 2024ની ચૂંટણી પછી)ની રચના ચાલી રહી હતી અને આખા પ્રધાનમંડળની રચના થઇ નહોતી. આ વર્ક ઓર્ડરની ન તો મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાને મંજૂરી આપી નહોતી, એવું તેમણે કહ્યું હતું.

આને કારણે રાજ્યના ખજાનાને 1700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ખુલાસો થયા બાદ ટેન્ડર પ્રક્રિયાને અટકાવી દેવામાં આવી હતી અને પરિવહન વિભાગના વધારાના સેક્રેટરી હેઠળ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, એવું ફડણવીસે જણાવ્યું હતું. અહીં નોંધવું ઘટે કે પરિવહન વિભાગ પ્રતાપ સરનાઈક છે અને તેઓ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button