શરદ પવારે મંચ પર લખીને આપેલો સંદેશ, છગન ભુજબળે ગુપચુપ વાંચ્યો
પુણે: સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે આજે પુણેમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એનસીપી (એસપી)ના વડા શરદ પવાર અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળ એક જ મંચ પર હાજર હતા.
આ દરમિયાન શરદ પવારે ભુજબળને એક કાગળ પર લેખિતમાં સંદેશો આપ્યો હતો, ત્યારબાદ તેમની વચ્ચે થોડીક સેક્ધડ સુધી વાતચીત થઈ હતી અને બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા હતા. આ બધું મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની પૂર્ણ કદની પ્રતિમાના અનાવરણ સમારોહ દરમિયાન બન્યું હતું.
પુણેમાં ચાકણ બજાર સમિતિમાં સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શરદ પવાર અને છગન ભુજબળ બંને સાંજે 5:45 વાગ્યે મંચ પર પહોંચ્યા હતા.
પ્રતિમાનું અનાવરણ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને ભુજબળની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન હતું, તેથી બંને મંચ પર સાથે બેઠા હતા, પરંતુ સ્ટેજ પર આવ્યા પછી બંનેએ એકબીજા સામે જોવાનું ટાળ્યું હતું.
મૂળભૂત રીતે, પવાર પૂણેના કાર્યક્રમમાં ચાર વાગ્યે પહોંચ્યા હતા અને ભુજબળ લગભગ દોઢ કલાક મોડા આવ્યા હોવાથી પવારને દોઢ કલાક રાહ જોવી પડી હતી. તેના કારણે ભુજબળને એવો ખ્યાલ હતો કે સમયની કદર કરતા પવારને થોડો ગુસ્સો આવ્યો હશે.
આથી ભુજબળે સ્ટેજ પર બોલવાનું ટાળ્યું હતું, પરંતુ તે જ સમયે પવારે કાગળની ચબરખી પર બે લીટીનું લખાણ લખ્યું હતું. તેમણે ભુજબળના હાથમાંથી પેમ્ફલેટ લીધું અને પોતાના હાથમાં રહેલી ચબરખી તેમને આપી હતી. પવારે એના પછી ભુજબળ તરફ આંગળી ચીંધી અને વીસ મિનિટ પછી બંને વચ્ચે વાતચીત થઈ હતી. બંને એકબીજા સામે જોઈને હસ્યા. મંચ પરની આ ઘટનાઓને કારણે રાજકીય વર્તુળમાં ચર્ચાએ રંગ જમાવ્યો છે.