'મેં જેમની સરકાર પાડી, તેમણે જ મુખ્ય પ્રધાનપદ માટે મારું નામ સૂચવ્યું'; શરદ પવારે અચાનક ભૂતકાળ કેમ યાદ કર્યો? | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

‘મેં જેમની સરકાર પાડી, તેમણે જ મુખ્ય પ્રધાનપદ માટે મારું નામ સૂચવ્યું’; શરદ પવારે અચાનક ભૂતકાળ કેમ યાદ કર્યો?

પુણે: આજના સમયમાં રાજકારણ માત્ર સત્તાની સાઠમારી બનીને રહી ગયું છે. વિરોધીઓ વચ્ચેની સૌજન્યતા લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, ઉદાર વિચારધારા ધરાવતા નેતૃત્વનો અભાવ છે. આવા સમયે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના રાજકારણના મોટા નેતા વસંતદાદા પાટિલને યાદ કર્યા હતા.

શરદ પવારે કહ્યું કે તેમણે 1978માં વસંતદાદા પાટિલની આગેવાની હેઠળની સરકારને ઉથલાવી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ એક દાયકા પછી તેમણે (વસંતદાદા પાટીલે) પોતે મુખ્ય પ્રધાન પદ માટે મારું નામ પ્રસ્તાવિત કર્યું.

લાંબા સમયથી વિપક્ષમાં રહેલા પવારે શનિવારે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે તે સમયે પણ આવું જ “મોટા દિલનું નેતૃત્વ” હતું. પવારે 1999માં કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની સ્થાપના કરી હતી.

આપણ વાંચો: શરદ પવારે મહારાષ્ટ્ર સરકારને શિક્ષકોના વિરોધ પ્રદર્શનનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા કહ્યું

જુલાઈ 2023માં શરદ પવારના ભત્રીજા અજિત પવાર તત્કાલીન શિવસેના-ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ગઠબંધન સરકારમાં જોડાયા બાદ NCPમાં ભાગલા પડ્યા હતા. મહારાષ્ટ્રના અનેક વખત મુખ્યપ્રધાન રહેલા પવારે (84) કહ્યું કે તેમને યાદ છે કે કટોકટી પછી કોંગ્રેસ, કોંગ્રેસ (ઇન્દિરા) અને સ્વર્ણ સિંહ કોંગ્રેસ એમ વિભાજિત થઈ ગઈ હતી.

રાજ્યસભાના સભ્યએ કહ્યું કે તે સમયે તેઓ તેમના માર્ગદર્શક યશવંતરાવ ચવ્હાણ સાથે સ્વર્ણસિંહ કોંગ્રેસમાં રહ્યા, પરંતુ ત્યાર બાદની ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહીં.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે આખરે, અમે ભેગા થયા અને વસંતદાદાને મુખ્ય પ્રધાન બનાવ્યા. જોકે, અમારામાંથી ઘણા યુવા કાર્યકરોને કોંગ્રેસ (આઈ) પ્રત્યે રોષ હતો કારણ કે અમે ચવ્હાણ સાહેબ સાથે જોડાયેલા હતા. તેથી એક અંતર હતું. દાદાએ તેને ભરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે તેનો વિરોધ કર્યો.

આપણ વાંચો: રાજ અને ઉદ્ધવ હિન્દી ‘લાદવા’ સામે ભાજપ સામે પડ્યા પણ અલગ અલગ શરદ પવારે સંયુક્ત વિરોધનું આહ્વાન કર્યું…

તેમણે યાદ કરીને કહ્યું કે હું મુખ્ય વિરોધીઓમાંનો એક હતો. પરિણામે, અમે સરકાર તોડી પાડવાનો નિર્ણય લીધો અને અમે તે કર્યું. હું મુખ્ય પ્રધાન બન્યો.” પવારે સમજાવ્યું, “હું આ કેમ કહી રહ્યો છું? કારણ કે 10 વર્ષ પછી, અમે બધા ફરીથી એક થયા હતા.

તેમણે કહ્યું કે જ્યારે આગામી મુખ્ય પ્રધાનના નામ પર નિર્ણય લેવા માટે બેઠક બોલાવવામાં આવી ત્યારે રામરાવ આદિક, શિવાજીરાવ નિલંગેકર સહિત ઘણા નામોની ચર્ચા કરવામાં આવી. પવારે કહ્યું, “પરંતુ દાદાએ કહ્યું હવે ચર્ચા નહીં, આપણે પાર્ટીનું પુનર્ગઠન કરવું પડશે.

શરદ તેનું નેતૃત્વ કરશે’.” પવારે કહ્યું કલ્પના કરો, જે નેતાની સરકાર મેં પાડી હતી તેમણે બધું બાજુ પર મૂકીને વિચારધારા માટે એકતા પસંદ કરી હતી. કોંગ્રેસમાં અમારી પાસે આવું ઉદાર નેતૃત્વ હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button