1978માં વસંતદાદા સરકાર ગબડાવી, પરંતુ તેમણે 10 વર્ષ પછી મુખ્ય પ્રધાન માટે મારું નામ સુચવ્યું હતું: શરદ પવાર

પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે તેમણે 1978માં વસંતદાદા પાટિલના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારને તોડી પાડવાનું પગલું ભર્યું હતું, પરંતુ તે જ નેતાએ એક દાયકા પછી મુખ્ય પ્રધાનપદ માટે તેમનું નામ પ્રસ્તાવિત કર્યું હતું.
વિપક્ષી પાર્ટીમાં લાંબા સમય સુધી કાર્ય કરી ચૂકેલા પવારે શનિવારે અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે કોંગ્રેસ પાસે તે સમયે આ પ્રકારનું ‘મોટા હૃદયનું નેતૃત્વ’ હતું. પવારે 1999માં કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની સહ-સ્થાપના કરી.
જુલાઈ 2023માં, શરદ પવારના ભત્રીજા અજિત પવાર તત્કાલીન શિવસેના-ભાજપ ગઠબંધન સરકારમાં જોડાયા પછી એનસીપીમાં ભાગલા પડી ગયા છે અને અત્યારે શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથને એનસીપી (એસપી) નામ અપાયું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે અનેક વખત સેવા આપી ચૂકેલા 84 વર્ષના રાજ્યસભાના સભ્યે યાદ કર્યું હતું કે કટોકટી પછી, આ સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ (ઇન્દિરા) અને સ્વર્ણસિંહ કોંગ્રેસમાં વિભાજીત થઈ ગઈ હતી.
પવારે કહ્યું કે તેઓ તે સમયે તેમના માર્ગદર્શક યશવંતરાવ ચવ્હાણ સાથે સ્વર્ણસિંહ કોંગ્રેસમાં રહ્યા હતા, પરંતુ ત્યારબાદ થયેલી ચૂંટણીઓમાં બંને પક્ષોને સ્પષ્ટ બહુમતી મળી ન હતી.
આપણ વાંચો: શરદ પવારે મહારાષ્ટ્ર સરકારને શિક્ષકોના વિરોધ પ્રદર્શનનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા કહ્યું
‘આખરે, અમે સાથે આવ્યા અને વસંતદાદાને મુખ્ય પ્રધાન બનાવ્યા. જોકે, અમારામાંથી ઘણા યુવા કાર્યકરો કોંગ્રેસ (આઈ) સામે નારાજ હતા, કારણ કે અમે ચવ્હાણ સાહેબ સાથે જોડાયેલા હતા. તેથી એક અંતર હતું. દાદાએ તેને ભરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે તેનો વિરોધ કર્યો હતો,’ એમ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.
‘હું મુખ્ય વિરોધીઓમાંનો એક હતો. પરિણામે, અમે સરકારને તોડી પાડવાનો નિર્ણય કર્યો અને અમે તે કર્યું. હું મુખ્ય પ્રધાન બન્યો હતો,’ એમ તેમણે યાદ કર્યું હતું.
‘હું આ કેમ કહી રહ્યો છું? કારણ કે દસ વર્ષ પછી, અમે બધા ફરીથી એક થયા હતા,’ એમ શરદ પવારે યાદ અપાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે જ્યારે આગામી મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે બેઠક બોલાવવામાં આવી ત્યારે ઘણા નામોની ચર્ચા થઈ – રામરાવ આદિક, શિવાજીરાવ નિલંગેકર વગેરે વગેરે પરંતુ દાદાએ કહ્યું કે હવે ચર્ચા નહીં… આપણે પાર્ટીનું પુનર્ગઠન કરવું પડશે. શરદ તેનું નેતૃત્વ કરશે, એમ શરદ પવારે કહ્યું હતું.
‘કલ્પના કરો કે જે નેતાની સરકાર મેં પાડી હતી, તેમણે બધું ભુલાવી દીધું અને વિચારધારા માટે એકતા પસંદ કરી. કોંગ્રેસમાં આ પ્રકારનું વિશાળ હૃદયનું નેતૃત્વ હતું,’ એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.