શરદ પવારની તબિયત લથડી, ડૉક્ટરોએ બેડ રેસ્ટ કરવા કહ્યું, કાર્યક્રમો રદ્દ
શુક્રવારે અજિત પવાર અને શરદ પવારની થઈ હતી મુલાકાત
બારામતી: એનસીપીના અધ્યક્ષ શરદ પવારની બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાનની બેઠક દરમિયાન અચાનક તબિયત લથડી હતી. જો કે એ સમયે પહેલેથી ઉપસ્થિત ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી અને નિશ્ચિંત રહેવા આશ્વાસન આપ્યું હતું. તબીબો દ્વારા શરદ પવારને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના આગામી કાર્યક્રમો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે તેઓ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય, આ પહેલા પણ તેઓ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યા છે.
મહત્વનું છે કે દર વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે આખો પવાર પરિવાર આ જ રીતે બારામતીમાં મળે છે. આ વર્ષે શરદ પવારની તબિયત લથડી હોવાના કારણે તેમણે આ કાર્યક્રમ અધુરો છોડવો પડ્યો હતો. હાલ ડૉક્ટરે કહ્યું છે કે શરદ પવારની તબિયત સ્થિર છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આ પહેલા શુક્રવારે અજિત પવાર અને શરદ પવારની મુલાકાત થઈ હતી. આ મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી હતી. આ મુલાકાતમાં શી ચર્ચા થઈ હતી એ સામે આવ્યું નથી. સુપ્રિયા સુલેના જણાવ્યા પ્રમાણે પ્રતાપ પવારના પત્નીના સ્વાસ્થ્યની ખબર પુછવા માટે પરિવાર આવ્યો હતો. જો કે આ દરમિયાન સુપ્રીયા સુલેએ એક વાત પર જરૂર ભાર મુક્યો હતો કે, વિચારધારા અલગ રહી શકે છે, રાજનૈતિક મતભેદો પણ હોઈ શકે છે, પરંતુ આખો પરિવાર સંપૂર્ણ રીતે એક છે.