કૃષિમાં એઆઈના ઉપયોગ અંગેની ચર્ચા કરવા શરદ પવાર અને અજિત પવાર એક મંચ પર

પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવાર અને તેમના અલગ થઈ ગયેલા ભત્રીજા એક મહિનામાં ચોથી વખત એકસાથે જોવા મળ્યા હતા અને પુણેમાં થયેલી આ બેઠકમાં કૃષિ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકીય રીતે મહત્વપૂર્ણ બાબત એ છે કે શરદ પવાર અને અજિત પવાર બંને પુણેમાં એકસાથે હતા અને તે પણ એક મહિનામાં ચોથી વખત. જુલાઈ 2023માં એનસીપીમાં વિભાજન અને 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન કડવા શાબ્દિક યુદ્ધ પછી કાકા-ભત્રીજા નજીક આવી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.
આપણ વાંચો: હેટ્રિક… શરદ પવાર અને અજિત પવાર 10 દિવસમાં ત્રીજી વખત સાથે આવશે, નવો કાર્યક્રમ, નવું સ્થળ અને સમય
જોકે, આમાંથી ત્રણ બેઠકો પારિવારિક કાર્યક્રમો હતા જેમાં અજિત પવારના પુત્ર જય પવારની સગાઈ સમારોહનો સમાવેશ થાય છે.
અજિત પવાર, જે હવે મહાયુતિ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે અને એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર, જે ચાર વખત ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમણે પુણેના સાકર સંકુલ ખાતે એક સમારોહમાં હાજરી આપી હતી, જેમાં વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સોમવારની બેઠક મહારાષ્ટ્રમાં સહકારી સાકર ફેક્ટરીઓના શેરડી ઉત્પાદક સભ્યોની સંસ્થા ખાતે કૃષિ અને ખાંડ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના ઉપયોગ અંગે ચર્ચા કરવા માટે હતી.
આપણ વાંચો: અજિતદાદાના દીકરાની સગાઈમાં શરદ પવાર, સુપ્રિયા સુળે હાજર…
બેઠકમાં કૃષિ ઉત્પાદકતા વધારવા, જમીનની ફળદ્રુપતા સુધારવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે એઆઈનો ઉપયોગ કરવા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
અમે ચર્ચા કરી હતી કે એઆઈ કેવી રીતે કૃષિ ઉત્પાદન વધારવા, માટીની ઉત્પાદકતાને સુધારવા અને રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી શકે છે. માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં પહેલને સમર્થન આપી રહી છે. કૃષિ વિભાગે તેના કેટલાક ચાલુ પ્રયાસો અને સાકરના ઉત્પાદન સુધારવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે પણ ચર્ચા કરી હતી, એમ અજિત પવારે જણાવ્યું હતું.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી સાથે આવી શકે છે એવી અટકળો પર જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પરિવારમાં એકતા હોવી સારી બાબત છે, અન્ય લોકોના પરિવાર અંગે મારે બોલવું યોગ્ય નથી. પરિવારની બાબતોમાં આપણે પડવું ન જોઈએ.
આપણ વાંચો: અજિત દાદાએ શરદ પવારને આપ્યો ઝટકોસતીશ ચવ્હાણ તુતારી છોડીને ઘડિયાળ પહેરશે…
‘પરિવારો સગાઈ જેવા પ્રસંગોએ ભેગા થાય છે અને તેનું અન્ય કોઈ દૃષ્ટિકોણથી અર્થઘટન કરવાની જરૂર નથી,’ એમ પણ અજિત પવારે જણાવ્યું હતું. આ પહેલા તેઓ શરદ પવાર સાથે સાતારામાં રયત શિક્ષણ સંસ્થામાં મંચ પર સાથે આવ્યા હતા તે અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે આ સંસ્થામાં શરદ પવાર પ્રમુખ છે અને અજિત પવાર ટ્રસ્ટી છે.
‘જ્યારે હું રયત શિક્ષણ સંસ્થાની બેઠકોમાં હાજરી આપું છું, ત્યારે હું નાયબ મુખ્ય પ્રધાન તરીકે નહીં, પરંતુ ટ્રસ્ટી તરીકે આવું કરું છું. તે બેઠક વિદ્યાર્થીઓના લાભ માટે શિક્ષણમાં એઆઈના ઉપયોગ પર કેન્દ્રિત હતી.
આજની બેઠક કૃષિમાં એઆઈ વિશે હતી. સરકારમાં કામ કરતી વખતે, આપણે હંમેશા ખેડૂતોની આવક વધારવા અને તેમના ઇનપુટ ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું. આ પહેલાં તેઓ વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની બેઠકમાં પણ મંચ શેર કરી ચૂક્યા છે.