શનિવારવાડામાં નમાજનો વિવાદ: મહાયુતિમાં વિખવાદ

પુણે: પુણેના ઐતિહાસિક શનિવારવાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા નમાજ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા પછી, ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણીએ રવિવારે બપોરે કેટલાક હિન્દુત્વ સંગઠનોના કાર્યકરો સાથે શનિવારવાડામાં દાખલ થઈને મુસ્લિમ મહિલાઓએ નમાજ પઢેલી જગ્યા પર ગૌમૂત્ર છાંટ્યું અને તે જગ્યાનું ગાયના છાણથી લેપણ કર્યું હતું. તેમણે તે જગ્યાએ બધા કાર્યકરો સાથે શિવવંદના પણ કરી.
આ સાથે, મેધા કુલકર્ણી અને તેમની સાથે આવેલા કાર્યકરોએ શનિવારવાડા વિસ્તારમાં આવેલી દરગાહને દૂર કરવાની પણ માગણી કરી હતી.
આપણ વાંચો: પુણેમાં ભાજપ સાંસદે દીવાલના લીલા રંગ પર ભગવો પેઇન્ટ લગાવી દીધો,
આ અંગે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો દ્વારા મેધા કુલકર્ણીની ટીકા કરવામાં આવી છે. આ પછી, તેમના પોતાના સાથીઓએ પણ તેમની સામે નારાજી વ્યક્ત કરી છે. એનસીપી (અજીત પવાર)ના નેતા રૂપાલી ઠોંબરે-પાટીલે સાંસદ મેધા કુલકર્ણી સામે કેસ ચલાવવાની માગણી કરી છે. આ સાથે, તેમણે એવું પણ સૂચન કર્યું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે મેધા કુલકર્ણીને સમજાવવું જોઈએ.
રૂપાલી ઠોંબરેએ એક મરાઠી ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, મેધા કુલકર્ણી જેવી અશિક્ષિત મહિલાએ આપણને હિન્દુત્વ ન શીખવવું જોઈએ. તેમની હરકતોથી પુણેમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ પડી રહી છે. સમાજમાં સામાજિક સૌહાર્દ બગડી રહ્યો છે. તેમની સામે તાત્કાલિક કેસ નોંધવો જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ.
એનસીપીના નેતા રૂપાલી ઠોંબરેએ કહ્યું હતું કે, પોતાના ધર્મ માટે આત્મસન્માન રાખવું એક વાત છે અને બીજા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવી બીજી વાત છે. દરેક વ્યક્તિએ પોતાના ધર્મ માટે આત્મસન્માન રાખવું જોઈએ. જો કે, જો તેઓ આમ કરતી વખતે બીજા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા હોય, તો તે કાયદા હેઠળ ગુનો છે.
મેધા કુલકર્ણીનું કૃત્ય ગેરકાયદે છે. મેધા કુલકર્ણી ભલે શિક્ષિકા હોય, પણ તેમને ખબર નહીં હોય કે શનિવારવાડા મરાઠાઓના વિજયનું પ્રતીક છે. આજે પેશ્ર્વાઓ પણ ઉપરથી મેધા કુલકર્ણીને શાપ આપતા હશે.