શાહપુરમાં વૃદ્ધાની હત્યા બાદ લૂંટના કેસમાં યુવકની ધરપકડ
આરોપીઓના હુમલામાં મૃતકની વયોવૃદ્ધ માતા પણ ગંભીર જખમી

થાણે: શાહપુરના ફાર્મહાઉસમાં ઘૂસેલા લૂંટારાઓએ 75 વર્ષની વૃદ્ધાની કથિત હત્યા કરી લૂંટ ચલાવી હતી. આ હુમલામાં વૃદ્ધાની વયોવૃદ્ધ માતા પણ ગંભીર રીતે ઘવાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલા યુવકની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ શાહપુર તાલુકાના ગાંડુળવાડ ગામમાં આવેલા વૃદ્ધાના ફાર્મહાઉસમાં 18 ઑગસ્ટની રાતે બની હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ શિવાજી બળવંત ધસાડે (25) તરીકે થઈ હતી.
આપણ વાંચો: દિશાની કથિત હત્યા મામલે મહાયુતીએ કરેલી આ તપાસનું શું થયું?: કૉંગ્રેસનો સવાલ
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની રાતે અમુક શખસો ફાર્મહાઉસમાં ઘૂસ્યા હતા અને માતા-પુત્રી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વજનદાર વસ્તુ ફટકારવાને કારણે વીણા દૌલતરામ હરપલાણી (75)નું મૃત્યુ થયું હતું, જ્યારે તેની માતા લક્ષ્મી નારાયણદાસ દલવાણી (97) ગંભીર રીતે જખમી થઈ હતી.
આ પ્રકરણે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે ખિનવલી પોલીસે 19 ઑગસ્ટે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સિનિયર સિટીઝનની હત્યા થતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ સમાંતર તપાસ હાથ ધરી હતી.
પોલીસે ફાર્મહાઉસના કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરી હતી. મળેલી માહિતીને આધારે પોલીસે ધસાડેને તાબામાં લીધો હતો. આરોપીએ ગુનામાં સંડોવણીની કબૂલાત કરતાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)