IPL મેચમાં રોહિતના વિકેટ પર ખુશ થતાં વૃદ્ધની હત્યા, બે આરોપીની ધરપકડ
કોલ્હાપુર: મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આઇપીએલ મેચને લીધે થેયલા વિવાદમાં બે લોકોએ 65 વર્ષના વૃદ્ધ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઇ) વચ્ચે મેચ શરૂ હતી. આ મેચને ટીવી પર જોઈ રહેલા લોકો અને વૃદ્ધ વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે બાદ આ ઘટના બની હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
બુધવારે બપોરે એસઆરએચ અને એમઆઇની મેચમાં એમઆઇનો બેટર રોહિત શર્મા આઉટ થતાં મેચ જોઈ રહેલા બંધુપંત ટીબીલે ખુશ થઈ ગયા હતા. આ વાતને ગુસ્સે ભરાયેલા બળવંત ઝાંઝગે અને સાગર ઝાંઝગેએ બંધુપંત ટીબીલે પર લાકડી વડે હુમલો કરી તેમને ગંભીર રીતે જખમી કર્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પીડિત વૃદ્ધને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ શનિવારે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આવા તુચ્છ કારણસર બંધુપંત ટીબીલેને માર મારી તેમની હત્યા કરનાર આરોપી બળવંત ઝાંઝગે અને સાગર ઝાંઝગેની પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એમઆઇએ રોહિત શર્માને ટીમના હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવતા રોહિત અને હાર્દિકના ચાહકો વચ્ચે વિવાદ સર્જાયો છે. થોડા સમય પહેલા પણ મુંબઈ અને ગુજરાત વચ્ચેની મેચમાં દર્શકો હાર્દિક અને રોહિતની કેપ્ટન્સીને મુદ્દે સ્ટેડિયમમાં બાખડી પડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો હતો.