મહારાષ્ટ્ર

છત્રપતિ સંભાજી સાથે સરખામણી કરવા બદલ સેના યુબીટીના નેતાની મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી

મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ દ્વારા પોતાની સરખામણી મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજ સાથે કરવાની ટિપ્પણીથી શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં શાસક મહાયુતિના વિધાનસભ્યોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે પરબ માફી માગે એવી માગણી કરી હતી.

અનિલ પરબે ગુરુવારે કાઉન્સિલમાં પોતાના ભાષણમાં છત્રપતિ સંભાજી સાથે પોતાની સરખામણી કરી હતી.
સેના (યુબીટી)ના નેતા પર પ્રહાર કરતા, રાજ્યના બંદરો અને મત્સ્યઉદ્યોગ પ્રધાન નિતેશ રાણેએ કહ્યું કે કારકુનની તુલના છત્રપતિ સંભાજી સાથે ન થઈ શકે. આ પછી, બંને વચ્ચે ખરાબ શબ્દોમાં શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.

કાઉન્સિલમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે જો પરબની ટિપ્પણીથી કોઈને દુ:ખ થયું હોય, તો શિવસેના (યુબીટી)ના નેતા તરીકે તેઓ તેના પર દિલગીર છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

પરબે પોતાના બચાવમાં કહ્યું કે જો અધ્યક્ષને લાગે છે કે તેમની ટિપ્પણીથી કોઈને દુ:ખ થયું છે, તો તેમને પદ પરથી હટાવી શકાય છે.

તેમણે કહ્યું હતું કે તેમણે ફક્ત એટલી જ ટિપ્પણી કરી હતી કે ‘જે રીતે છત્રપતિ સંભાજીને ધર્મ બદલવા માટે ત્રાસ આપવામાં આવ્યો હતો, તેમ તેમને પક્ષ બદલવા માટે ત્રાસ આપવામાં આવી રહ્યો છે.’

પરબે ધ્યાન દોર્યું હતું કે ભાજપના શ્રીકાંત ભારતીયે તેમના કૂતરાનું નામ ‘શંભુ’ રાખ્યું હતું, તેમને પણ માફી માંગવા માટે કહેવામાં આવવું જોઈએ.

પરબે કહ્યું હતું કે સંભાજી મહારાજના વિચારો અને તેમના વારસાને કોઈએ આગળ વધાર્યો છે તો તે છાવા ફિલ્મમાં જોવા મળશે. આ જ રીતે મને પણ જુઓ. તેમના પર ધર્મ બદલવા માટે અત્યાચાર કરવામાં આવ્યો હતો અને મારા પર પાર્ટી બદલવા માટે અત્યાચાર કરવામાં આવ્યો હતો. ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ તેમ જ એનઆઈએ બધાએ મારી સામે કાર્યવાહી કરી હતી, પરંતુ હું જેલમાં ગયો નહોતો. સંજય રાઉત જેલમાં ગયા હતા, કેમ કે તેઓ કાચા ખેલાડી હતા, પરંતુ હું બધા પર ભારે પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button