મહારાષ્ટ્ર

બદલાપુર જાતીય હુમલાના આરોપીઓના એન્કાઉન્ટર પર સેના (યુબીટી)નું ફડણવીસ પર નિશાન

મુંબઈ: શિવસેનાએ બુધવારે દાવો કર્યો હતો કે બદલાપુર જાતીય હુમલાના કેસમાં કસ્ટોડિયલ હત્યામાં પાંચ પોલીસ કર્મચારીઓ પર મેજિસ્ટ્રેટ દ્વારા આરોપ મુકવામાં આવ્યા હોવાથી મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પોલીસ વિભાગના ‘જૂઠાણાં’નો પર્દાફાશ થઈ ગયો છે.

શિવસેના (યુબીટી)ના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું હતું કે આરોપી અક્ષય શિંદેનું ‘એન્કાઉન્ટર’ ગૃહ પ્રધાનની ‘સહમતિ’ વિના શક્ય ન હોત.

મેજિસ્ટ્રેટની તપાસમાં બદલાપુર સ્કૂલ જાતીય હુમલાના કેસમાં એકમાત્ર આરોપી શિંદેના કસ્ટોડિયલ મૃત્યુ માટે મહારાષ્ટ્રના પાંચ પોલીસ કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્વ-બચાવમાં તેમના પર ગોળીબાર કરવાના તેમના દાવા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.

તે સમયે નાયબ મુખ્ય પ્રધાન અને અત્યારના મુખ્ય પ્રધાન ફડણવીસ, ત્યારે પણ ગૃહ પ્રધાન હતા અને અત્યારે પણ રાજ્યના ગૃહ પ્રધાન છે.

તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે શિંદેની હત્યા અંગે પહેલેથી જ ‘શંકા’ રહી હતી.

‘કોર્ટે થાણે પોલીસ કમિશનર, થાણેના પાલક પ્રધાન, ગૃહ પ્રધાનને પણ જવાબદાર ઠેરવવા જોઈએ. આ હત્યા તેમની સહમતિ વિના થઈ ન હોત,’ એમ તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયોથી એકનાથ શિંદે નારાજ! શું 20 વિધાનસભ્યો સત્તારૂઢ ગઠબંધનમાંથી તૂટશે?

તેમાં કહેવામાં આવ્યું હતું કે શિંદે પર કેસ ચલાવવાની અને કડક સજા આપવાની જરૂર હતી. તેમના પર કેસ ચલાવી શકાયો હોત, ફડણવીસ, તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપે એન્કાઉન્ટરમાંથી ‘નાટક’ બનાવવું પડ્યું હતું.

તંત્રીલેખમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે બીડના મસ્સાજોહ ગામના સરપંચ સંતોષ દેશમુખના હત્યારાઓને આવી રીતે એન્કાઉન્ટરમાં કેમ માર્યા ન ગયા.

પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને શિવસેનાએ ગયા વર્ષે અક્ષય શિંદેના મૃત્યુ પછી ‘ઉજવણી’ કરી હતી કારણ કે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા અનુકૂળ વાતાવરણ બનાવવા માગતા હતા. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને રાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button